ભારત શ્રીલંકા વચ્ચેની ટી-ટ્વેન્ટી સિરીઝ માટે થઈ પસંદગી: ગુજરાતમાંથી એકમાત્ર ખેલાડીને સ્થાન મળ્યું
પોરબંદરના વ્હીલચેર ક્રિકેટરે ટીમ ઇન્ડિયામાં ફરી સ્થાન મેળવ્યું છે.
પોરબંદર અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ સમાન સમાચાર સામે આવ્યા છે. પોરબંદરના આંતરરાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટર ભીમા ખુંટીએ ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમમાં શાનદાર પુનરાગમન કર્યું છે.ગુજરાતમાંથી એકમાત્ર ખેલાડી તરીકે ભારતીય ટીમમાં સ્થાન મેળવીને તેમણે પોરબંદરનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. લાંબા સમય સુધી ભારતીય ટીમની બહાર રહ્યા બાદ પોતાની સખત મહેનત, દૃઢ આત્મવિશ્વાસ અને સતત શ્રેષ્ઠ પ્રદર્શનના બળે તેમણે ફરી એક વખત ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું છે.આગામી 30 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન તમિલનાડુના ચેન્નાઈ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટ્વેન્ટી-20 મેચની શ્રેણી રમાવાની છે. આ શ્રેણીમાં ભીમા ખુંટી ભારતીય જર્સી પહેરીને દેશનું પ્રતિનિધિત્વ કરશે. તેમની પસંદગીને પગલે પોરબંદર સહિત ગુજરાતભરમાં રમતપ્રેમીઓ અને શુભેચ્છકોમાં આનંદની લાગણી પ્રસરી છે.ભીમા ખુંટીએ તાજેતરની સીઝનમાં 860થી વધુ રન બનાવીને પોતાની પ્રતિભા અને ક્ષમતાનો પરિચય આપ્યો હતો. સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે સતત સારું પ્રદર્શન કરીને તેમણે પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. લાંબા સમયથી ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની રાહ જોઈ રહેલા ભીમા ખુંટી માટે આ સફળતા તેમની મહેનત અને ધીરજનું પરિણામ બની છે.પોતાની પસંદગી અંગે આનંદ વ્યક્ત કરતાં ભીમા ખુંટીએ જણાવ્યું હતું કે, ફરી એક વખત ભારતની જર્સી પહેરવાની તક મળવી તેમના માટે ગૌરવની વાત છે. ભારતની જર્સી પહેરવી એટલે હજારો સપનાં સાકાર થવા સમાન છે. છેલ્લા ઘણા સમયથી તેઓ ટીમની બહાર હતા, પરંતુ તેમને પોતાની મહેનત પર પૂરો વિશ્વાસ હતો. મેદાન પર સતત સખત પરિશ્રમ કરીને અને 860થી વધુ રન બનાવીને તેમણે પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં દેશમાં 28 રાજ્યોનાં રાજ્ય સ્તરીય વ્હીલચેર ક્રિકેટ સંગઠનો કાર્યરત હોવાથી ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે ભારે સ્પર્ધાનો સામનો કરવો પડે છે. રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે સ્થાનિક અને રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં સતત સારું પ્રદર્શન કરવું જરૂરી છે. દરેક ખેલાડીએ પોતાની રમતને વધુ સુધારવા માટે સતત મહેનત કરવી પડે છે.
વ્હીલચેર ક્રિકેટ સામાન્ય ક્રિકેટની સરખામણીમાં અનેક રીતે પડકારજનક છે. આ રમતમાં ખેલાડીઓએ વ્હીલચેર પર બેસીને જ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કરવાની હોય છે. શારીરિક મર્યાદાઓ વચ્ચે રમતની કુશળતા, સંતુલન, એકાગ્રતા અને ટીમવર્ક જાળવી રાખવું એ ખેલાડીઓ માટે મહત્ત્વનો પડકાર છે. આવી પરિસ્થિતિમાં સતત મહેનત કરીને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવું એ ભીમા ખુંટીની સિદ્ધિને વધુ વિશિષ્ટ બનાવે છે.આ પ્રસંગે ભીમા ખુંટીએ ગુજરાતના ઉદ્યોગપતિઓ, વિવિધ કંપનીઓ અને સંભવિત પ્રાયોજકોને વ્હીલચેર ક્રિકેટરોને સહયોગ આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય ક્રિકેટરોની જેમ વ્હીલચેર ક્રિકેટરોને પણ આર્થિક સહાય, પ્રાયોજકતા અને પ્રોત્સાહનની જરૂર છે. વ્હીલચેર ક્રિકેટના ખેલાડીઓ પણ દેશ માટે રમે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવ વધારવા માટે મહેનત કરે છે. તેથી તેમને યોગ્ય સુવિધાઓ અને આર્થિક સહયોગ મળે તો તેઓ વધુ સારી રીતે પોતાની પ્રતિભા રજૂ કરી શકે છે.ભીમા ખુંટીની ભારતીય ટીમમાં પસંદગી થતાં પોરબંદર સહિત વિવિધ વિસ્તારોમાંથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેમની સફળતા એ સંદેશ આપે છે કે,દ્રઢ મનોબળ, આત્મવિશ્વાસ અને સતત મહેનત દ્વારા મુશ્કેલીઓ વચ્ચે પણ સફળતાનાં શિખરો સર કરી શકાય છે. ભીમા ખુંટીની આ સિદ્ધિ રમતગમત ક્ષેત્રે આગળ વધવા ઇચ્છતા યુવાનો અને દિવ્યાંગ ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.હવે ચેન્નાઈ ખાતે યોજાનારી ભારત-શ્રીલંકા શ્રેણીમાં તેમના પ્રદર્શન પર પોરબંદર સહિત સમગ્ર ગુજરાતની નજર રહેશે.
