નવ ગામોનો કરવામાં આવ્યો સમાવેશ: 107 ચો.કી.મી. વિસ્તારને આવરીને રહેણાંક ઝોન, વાણિજ્યીક ઝોન, ઔદ્યોગિક ઝોન, વિશેષ ઝોન, જાહેર હેતુ ઝોન અને કૃષિ ઝોન થયા નકકી: મ્યુનિસિપલ કમિશ્ર્નરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં થઇ જાહેરાત
પોરબંદર મહાનગરપાલિકાની વિકાસ યોજના જાહેર થઇ છે જેમાં કુલ નવ ગામનો સમાવેશ કરીને તથા 107 ચો.કી.મી. વિસ્તારને આવરીને રહેણાંક ઝોન,વાણિજ્યીક ઝોન, ઔદ્યોગિક ઝોન, વિશેષ ઝોન, જાહેર હેતુ ઝોન અને કૃષિ ઝોન નકકી થયા છે.
પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસીપલ કમિશ્ર્નર ટી.સી. તીરથાણી, ડેપ્યુટી મેયર મનીષભાઇ શિયાળ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન વિક્રમભાઇ ઓડેદરાની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની જાહેરાત કરવામાં આવી હતી જેમા તેઓએ જણાવ્યુ હતુ કે પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારોના સુઆયોજિત, સંતુલિત અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને પોરબંદર વિકાસ યોજના જાહેર કરવામાં આવી છે.
વિકાસ યોજનામાં સમાવિષ્ટ ગામો
આ વિકાસ યોજનામાં કુલ 9 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના ભવિષ્યમાં પોરબંદરના શહેરી વિકાસ, માળખાકીય સુવિધાઓના વિસ્તરણ અને સુવ્યવસ્થિત નગર આયોજન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.પોરબંદર વિકાસ યોજનામાં કુલ નવ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં પોરબંદર, ઝાવર, છાયા, બોખીરા, ખાપટ, દિગ્વિજયગઢ, ધરમપુર, રતનપર, વનાણાનો સમાવેશ થયો છે.
કુલ વિસ્તાર અને ઝોનની જોગવાઇ
આ વિકાસ યોજના આશરે 107 ચો.કિ.મી. વિસ્તારને આવરી લે છે. આ વિસ્તારમાં ભવિષ્યની જરૂરિયાતો અને વિકાસની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને વિવિધ ઉપયોગો માટે ઝોનીંગની જોગવાઇ કરવામાં આવી છે જેમાં વિવિધ ઝોનનો સમાવેશ થાય છે જેમાં રહેણાંક ઝોન (રેસીડેન્શીયલ ઝોન)વધતી વસ્તી અને રહેઠાણની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીન રહેણાંક વિકાસ માટે આયોજન,વાણિજ્યિક ઝોન(કોમર્શીયલ ઝોન)વેપાર ધંધા અને આર્થિક પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે આયોજન, ઔદ્યોગિક જોન(ઇન્ડસ્ટ્રીયલ ઝોન) ઔદ્યોગિક વિકાસ અને રોજગારીની તકો ઉભી કરવા માટે જોગવાઇ.મનોરંજન ઝોન( રીક્રિએશન જોન)બગીચા, ખુલ્લી જગ્યાઓ અને મનોરંંજન સબંધિત સુવિધાઓના વિકાસ માટે આયોજન,વિશેષ ઝોન (સ્પેશ્યલ ઝોન) વિશિષ્ટ પ્રકારના વિકાસ અન ેઉપયોગો માટે જોગવાઇ,જાહેર હેતુનો ઝોન (પબ્લીક પપર્સ ઝોન) જાહેર સુવિધાઓ અને સામાજિક માળખાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજન,કૃષિ ઝોન (એગ્રીકલ્ચર ઝોન) કૃષિ વિસ્તાર અને સબંધિત ઉપયોગો માટે જોગવાઇ આ પ્રકારના જોનીંગ દ્વારા જમીનનો સુઆયોજિત ઉપયોગ, ભવિષ્યના વિકાસનું યોગ્ય માર્ગદર્શન અને વિવિધ શહેરી સુવિધાઓનું આયોજન શકય બનશે.
માર્ગવ્યવસ્થાને મળશે નવી દિશા
વિકાસ યોજનામાં ભવિષ્યની પરિવહન વ્યવસ્થા અને માર્ગ જોડાણોને ધ્યાનમાં રાખીને વિવિધ પહોળાઇના રસ્તાઓ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.તેમાં મુખ્યત્વે 18 મીટર પહોળા રસ્તા,24 મીટર પહોળા રસ્તા, 30 મીટર પહોળા રસ્તા, 45 મીટર પહોળા રસ્તા નકકી થયા છે.આવા માર્ગોનું આયોજન શહેરના વિવિધ વિસ્તારોમાં વધુ સુવ્યવસ્થિત જોડાણ, વાહનવ્યવહારની સુવિધા અને ભવિષ્યમાં વધનારી પરિવહનની જરૂરિયાતોને ધ્યાનમાંરાખીને કરવામાં આવ્યુ છે.
ભવિષ્યમાં પોરબંદર માટે મહત્વપૂર્ણ આયોજન
પોરબંદર વિકાસ યોજનાનો મુખ્ય ઉદેશ શહેર અને આસપાસના વિસ્તારોમાં લાંબા ગાળાનું સુઆયોજિત વિકાસ માળખુ ઉભુ કરવાનો છે. રહેણાક, વાણિજ્ય, ઉદ્યોગ, જાહેર સુવિધાઓ , મનોરંજન અને માર્ગ વ્યવસ્થાને એક સંકલિત આયોજન હેઠળ લાવવાથી શહેરના વિકાસને યોગ્ય દિશા મળી શકશે.આ યોજના પોરબંદરના ભવિષ્યના શહેરી વિસ્તરણને વ્યવસ્થિત બનાવવા, માળાખાકીય સુવિધાઓના આયોજનમાં મદદરૂપ થવા અને વિકાસની સંભાવનાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે મહત્વપૂર્ણ બની રહેશે.
અંતમાં, પોરબંદર વિકાસ યોજના એ માત્ર જમીનના ઉપયોગનું આયોજન નથી પરંતુ પોરબંદરના ભવિષ્યના સુઆયોજિત અને સંતુલિત વિકાસ માટેનું મહત્વપૂર્ણ આયોજન છે. કુલ 9 ગામો અને આશરે 107 ચો.કિ.મી. વિસ્તારને આવરી લેતી આ યોજના પોરબંદર શહેરી વિકાસને નવી દિશા આપવાની ક્ષમતા ધરાવે છે.
