શ્રીરામ ગૌસેવાની ટીમે તાત્કાલિક દોડી જઇને ઘવાયેલા મુંગા જીવોને આપી સારવાર: વધુ સારવાર માટે ગૌશાળામાં લઇ જવાયા
રતનપર નજીક અજાણ્યા વાહનચાલકે છ ગૌધનને ઠોકર મારતા શ્રીરામ ગૌસેવાની ટીમે તાત્કાલિક દોડી જઇને ઘવાયેલા મુંગા જીવોને સારવાર આપી હતી અને વધુ સારવાર માટે ગૌશાળામાં લઇ જવાયા હતા.
પોરબંદર નજીકના રતનપર ગામ નજીક રાત્રિાના સમયે માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. એક અજાણ્યા વાહન ચાલકે બેફામ રીતે વાહન હંકારી રસ્તા પર બેઠેલા છ ગૌધનને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સજીર્ વાહન ચાલક પુરઝડપે ફરાર થઈ ગયો હતો, અને છ નિર્દોષ ગૌધન લોહીલુહાણ હાલતમાં રસ્તા પર તરફડતા રહ્યા હતા.ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોરબંદરની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રી રામ ગૌ સેવા ટીમનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાની સાથે જ ટીમના સેવકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ગૌ સેવકોએ દાખવી
ત્વરિત કામગીરી
ઘટનાસ્થળે પહોંચીને ટીમે જોયું તો છ ગૌધનને પગ, મોઢા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે પોતાની પાસે રહેલી મેડિકલ કીટમાંથી પાટાપીંડી, દવા અને પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. લોહી નીકળતું અટકાવી તમામ ગૌધનને હિંમત આપવામાં આવી હતી.પ્રાથમિક સારવાર બાદ તમામ છ ઈજાગ્રસ્ત ગૌધનને અત્યંત કાળજીપૂર્વક ગૌશાળા ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પશુ ચિકિત્સક દ્વારા વધુ સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ તમામ ગૌધનની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
વાહન ચાલકોને અપીલ
આ તકે શ્રી રામ ગૌ સેવા ટીમ દ્વારા તમામ વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે, હાઇવે પર ધીમે વાહન હંકારે, જેથી આવા અબોલ જીવોના જીવ બચી શકે. અકસ્માત સર્જીને ભાગી જવું એ માનવતા નથી. આ સેવાકાર્યમાં શ્રી રામ ગૌ સેવા ટીમના યુવાનોની ત્વરિત કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી અને સમગ્ર પંથકમાં ટીમની સેવાની પ્રશંસા થઈ રહી છે.
