કારમાલિક ભેસાણનો હોવાનું બહાર આવ્યુ: અંદર બેસેલા ત્રણ ઇસમોએ લોખંડના સળીયા ઉંચા કરી ‘પોલીસ ઉપર ચડાવી દે, માથે નાખી દે’ બુમો પાડી: હેડ કોન્સ્ટેબલની ખાનગી કારને ઠોકર મારી નાસી જનાર શખ્સો સામે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
મહોબતપરાના પાટીયા નજીક હત્યાના ઇરાદે પોલીસ કર્મચારીઓ ઉપર સ્કોર્પીયો ફેરવવાની કોશિશ થઇ હતી જેમાં કારમાલિક ભેસાણનો હોવાનું બહાર આવ્યુ છે કારમાં અંદર બેસેલા ત્રણ ઇસમોએ લોખંડના સળીયા ઉંચા કરી ‘પોલીસ ઉપર ચડાવી દે, માથે નાખી દે’ બુમો પાડી હતી એટલુ જ નહી પરંતુ નાકાબંધી માટે રાખેલ હેડ કોન્સ્ટેબલની ખાનગી કારને ઠોકર મારી 25000 રૂા.નું નુકશાન પહોચાડી નાશી જનાર શખ્શો સામે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોરબંદરના કુતિયાણા પોલીસમથક ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પીયુષ રામજીભાઇ ઓડેદરા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તા. 25-10 થી 26-10 દરમ્યાન તેઓને 112 ઇન્ચાર્જ તરીકે ફરજ સોંપવામાં આવી હતી અને રાત્રે તેઓ ચૌટા ચેકપોસ્ટ ખાતે વાહન સાથે ચેકીંગમાં હાજર હતા જેમાં ડ્રાયવર અજય નારણ વાઢીયા, જી.આર.ડી.ના સભ્ય પરબતભાઇ જેસાભાઇ શામળા, લખુભાઇ પરબતભાઇ ઓડેદરા વગેરે હાજર હતા અને ચેકપોસ્ટ ખાતે બેઠા હતા.એ દરમ્યાન બે વાગ્યા આસપાસ રાજકોટ તરફથી એક સ્કોર્પીયો ફૂલસ્પીડમાં માનવ જિંદગી જોખમાય તે રીતે કાવા મારતો આવતો હતો તેથી ચૌટા ચેકપોસ્ટ ખાતે પોલીસ કર્મચારીઓએ તેના વાહનને રોકાવવાની કોશિશ કરી હતી પરંતુ ચાલકે ચેકપોસ્ટ ખાતે રોકાવાને બદલે ફૂલસ્પીડમાં ત્યાંથી સ્કોર્પીયોને ભગાડી મુકયો હતો જેથી ફરીયાદીએ તાત્કાલિક 112 વાન લઇને સ્કોર્પીયોનો પીછો કર્યો હતો એ દરમ્યાન રસ્તામાં તેઓએ રાણાવાવ પોલીસ સ્ટેશનના જયમલ સામત મોઢવાડીયાને ફોન કરીને જાણ કરી હતી કે એક શકમંદ સ્કોર્પીયો કાર ચૌટાચેકપોસ્ટ ખાતેથી ભાગીને રાણાવાવ તરફ આવે છે અને અમે તેનો પીછો કરી રહ્યા છીએ. લોકલ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ નટવરભાઇ દુદાભાઇ ઓડેદરાને પણ તેની જાણ કરી હતી.
હેડ કોન્સ્ટેબલ પીયુષભાઇ ઓડેદરા અને તેમની ટીમ મોકર ગામના પાટીયા સુધી પીછો કરતી ગઇ હતી પરંતુ સ્કોર્પીયો કયાંય જોવા મળ્યો ન હતો. જેથી તેઓ તેમના વાહન સાથે ફરી ચૌટાચેકપોસ્ટ ખાતે હોલ્ડીંગ પોઇન્ટ ઉપર આવી ગયા હતા. ચાર વાગ્યા આસપાસ એલ.સી.બી.ના કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરાએ ફોન કરીને જાણ કરી હતી કે ‘તમે જે સ્કોર્પીયોનો પીછો કરતા હતા તે કુતિયાણા તરફ આવી રહી છે અને અમે તેની પાછળ આવીએ છીએ. જેથી તમે મહોબતપરાના પાટીયા આગળ નાકાબંધી કરી રાખો.’ જેથી પીયુષભાઇ ઓડેદરા અને તેમની સાથે રહેલા કર્મચારીઓએ નાકાબંધી કરી હતી અને પીયુષભાઇની ખાનગી કાર પણ આડી રોડ ઉપર રાખી દીધી હતી તેમજ બાકીની જગ્યામાં બેરીકેટ આડા રાખી દીધા હતા.
એ દરમ્યાન સવાચાર વાગ્યા આસપાસ પોરબંદર બાજુથી સ્કોર્પીયો ફૂલસ્પીડમાં આવતો હતો. તેથી તેને રોકવાની કોશિશ કરી હતી પરંતુ સ્કોર્પીયો રોકવાને બદલે ફરીયાદી અને તેમની ટીમના સભ્યોને મારી નાખવાના ઇરાદે તેમના ઉપર ચડાવી દેવાની કોશિશ કરી હતી. જેમાં ડ્રાયવર સિવાયના ત્રણ જેટલા માણસો બેઠા હતા જેમણે કારની બારીની બહાર મોઢા કાઢી હાથમાં લોખંડના સળીયા ઉંચા કરી “પોલીસ ઉપર ચડાવી દે, માથે નાખી દે’ એવા બુમ બરાડા કરતા હતા. જીવ બચાવવા પોલીસ કર્મચારીઓ સાઇડમા હટી જતા ફરીયાદીની બલેરોને પાછળના દરવાજામાં ઠોકર મારી દીધી હતી અને ત્યાથી ફૂલસ્પીડમાં યુ ટર્ન લઇને પોરબંદર તરફ જતા રહયા હતા.પોરબંદર બાજુ એલ.સી.બી.ની ટીમ ખાનગી વાહનોમાં સ્કોર્પીયોનો પીછો કરવા ગયા હતા અને મોકરસાગર સુધી તેઓએ પીછો કર્યો હતો પરંતુ તેઓ પકડાયા ન હતા અને વચ્છરાજ હોટલ ખાતેથી યુટર્ન મારી કુતિયાણા ગામમાં થઇ દેવંગી સર્કલથી રોંગસાઇડમાં ભાગી ગયા હતા. જેથી પોલીસે કારના માલિક અંગે તપાસ શરૂ કરતા જુનાગઢ જિલ્લાના ભેસાણ ગામનો શેરસીંગ મંગલસીંગ બાવરી હોવાનું બહાર આવ્યુ હતુ.
કારચાલક અને અજાણ્યા ત્રણ માણસો સામે હત્યાની કોશિશની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ફરીયાદી પીયુષ ઓડેદરાની કારમાં 25 હજાર રૂા.નું નુકશાન થયુ હોવાનું સામે આવ્યુ છે.
