કુતિયાણા શહેરને કાયમી ધોરણે નર્મદાનું પાણી મળશે

એન.સી.38 પાઈપ લાઈનમાંથી કાયમી કનેક્શન થયું મંજુર: ધારાસભ્ય કાંધલ જાડેજાની જહેમત રંગ લાવી

પોરબંદરના કુતિયાણાને કાયમી ધોરણે નર્મદાનું પાણી મળી રહે તે માટેનું કનેક્શન ફાળવી દેવાતા 20.000 થી વધુ લોકોને રાહત થઈ છે.
કુતિયાણા શહેરના નાગરિકો માટે પીવાના પાણીના પ્રશ્નના કાયમી ઉકેલની દિશામાં મહત્ત્વપૂર્ણ ખુશખબર સામે આવી છે.
કુતિયાણા શહેરને નર્મદા એન.સી.-38 પાઈપલાઈનમાંથી કાયમી ધોરણે પાણીનું જોડાણ આપવાની મંજૂરી મળી છે. આ નિર્ણયથી શહેરના વર્ષો જૂના પીવાના પાણીના પ્રશ્નનો કાયમી ઉકેલ આવવાની આશા જાગી છે.ધારાસભ્ય કાંધલભાઈ સરમણભાઈ જાડેજા અને કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ કાનાભાઈ જાડેજા દ્વારા આ અંગે કરવામાં આવેલી સતત રજૂઆતોને સફળતા મળી છે.આ અંગે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા તા. 28-10-2025ના રોજ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (જી.ડબ્લ્યુ.આઈ.એલ.)ની જેતપુર કચેરીના મેનેજરને પત્ર પાઠવી કુતિયાણા શહેરને નર્મદા પાઈપલાઈનમાંથી પાણીનું કાયમી જોડાણ આપવા રજૂઆત કરવામાં આવી હતી.ધારાસભ્યએ રજૂઆતમાં જણાવ્યું હતું કે,કુતિયાણા નગરપાલિકાની અંદાજિત વસ્તી વીસ હજાર જેટલી છે અને શહેરની દૈનિક પીવાના પાણીની જરૂરિયાત આશરે ત્રણ મિલિયન લિટર (એમ.એલ.ડી.) છે. ચોમાસા દરમિયાન ખૂબ ઓછો વરસાદ પડવાના કારણે કુતિયાણા ડેમમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ ન રહ્યો હોવાથી શહેરના કૂવાઓમાં પણ પાણીના સ્તર ઘટી ગયા હતા. પરિણામે નગરજનો માટે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી.તેમણે વધુમાં રજૂઆત કરી હતી કે કુતિયાણા શહેરને જામખંભાળિયાથી આવતી નર્મદા પાણીની પાઈપલાઈન મારફતે પાણી મેળવવા માટે અગાઉથી માંગણી કરવામાં આવી હતી, પરંતુ આ પાઈપલાઈન વારંવાર તૂટી જતી હોવાના કારણે પાણી પુરવઠામાં અવરોધ ઊભો થાય છે. આ ઉપરાંત પી.જી.વી.સી.એલ.નો વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોવાથી પાણીનું પમ્પિંગ અને વિતરણ પણ અસરગ્રસ્ત બને છે.
આ તમામ કારણોસર કુતિયાણા નગરપાલિકાને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકતું ન હતું.આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ પોરબંદર તરફથી આવતી નર્મદાની અંદરની પાઈપલાઈનનો વિકલ્પ રજૂ કર્યો હતો. આ પાઈપલાઈન એજન્સી, નગરપાલિકા અને સંબંધિત તંત્રના સહયોગથી ફૂલેશ્વરધામ સુધી પહોંચતી હોવાથી તેમાંથી કુતિયાણા નગરપાલિકાને પાણીનું જોડાણ આપવામાં આવે તો શહેરની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ હોવાનું પત્રમાં જણાવવામાં આવ્યું હતું. આથી કુતિયાણા શહેરને આ પાઈપલાઈનમાંથી પાણીનું જોડાણ આપવા જરૂરી સહકાર અને મંજૂરી આપવા ખાસ ભલામણ કરવામાં આવી હતી.ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા અને નગરપાલિકાના ઉપપ્રમુખ કાનાભાઈ જાડેજા દ્વારા કરવામાં આવેલી રજૂઆતોના અનુસંધાને હવે કુતિયાણા શહેરને નર્મદા એન.સી.-38 પાઈપલાઈનમાંથી કાયમી ધોરણે પાણીનું જોડાણ મંજૂર કરવામાં આવ્યું છે.આ મંજૂરીથી શહેરને પાણી પૂરું પાડવા માટે એક વૈકલ્પિક અને કાયમી વ્યવસ્થા ઊભી થવાનો માર્ગ મોકળો થયો છે.આ નિર્ણયથી કુતિયાણાના નાગરિકોને પીવાના પાણીની નિયમિત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે તેમજ વરસાદની અછત, ડેમમાં પાણીનો જથ્થો ઘટવો કે અગાઉની પાઈપલાઈનમાં વારંવાર સર્જાતી ખામીઓ જેવી પરિસ્થિતિમાં પણ પાણી પુરવઠો જાળવી રાખવામાં સહાય મળશે. શહેરની વસ્તી અને દૈનિક પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ મંજૂરીને મહત્ત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.કુતિયાણા શહેરને નર્મદા એન.સી.-38 પાઈપલાઈનમાંથી કાયમી પાણીનું જોડાણ મંજૂર થતાં ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા અને નગરપાલિકાના ઉપપ્રમુખ કાનાભાઈ જાડેજાએ આ નિર્ણય બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ આ કામગીરીમાં સહયોગ આપનાર સંબંધિત વિભાગો અને અધિકારીઓનો પણ આભાર માન્યો હતો. આ મંજૂરીથી કુતિયાણા શહેરના નાગરિકોને પીવાના પાણીની સમસ્યામાંથી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ