બળેજ અમીપુર રોડ પર બોક્સ કલવર્ટ મુકવા થઈ માંગ

ખેતીની જમીન કરતા ઊંચો રસ્તો હોવાથી ચોમાસામાં રસ્તાની એક બાજુ ભરાઈ રહે છે પાણી: તંત્ર વહેલી તકે યોગ્ય કરે તેવી થઈ રજૂઆત

પોરબંદરના બળેજ થી અમીપુર જતા રસ્તે બોક્સ કલવર્ટ મુકવા માંગ થઈ છે.
બળેજ ના ભાજપ અગ્રણી વિપુલ નરબતભાઈ પરમાર એ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે બળેજથી અમીપુર જતા રસ્તા પર હાલ રસ્તો આસપાસની ખેતીની જમીન કરતાં ઊંચો છે. રસ્તા પર બોક્સ કલ્વર્ટની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ચોમાસામાં રસ્તાની એક બાજુ પાણી ભરાઈ રહે છે. આ પાણીના સતત ભરાવાના કારણે રસ્તાની સામેની બાજુ આવેલી ખેતીની જમીનમાં ધોવાણ અને ખરાસ થવાથી જમીન ધીમે ધીમે બંજર થતી જાય છે.
વધુમાં, ચોમાસામાં મોડો વરસાદ થાય અને રસ્તા ની એક બાજુ પાણીનો ભરાવો થાય ત્યારે એ બાજુની જમીનમાં વાવેતર કરવા માટે ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખીને આપશ્રીની કચેરી દ્વારા અગા રસ્તો તોડીને પાણીનો નિકાલ કરવામાં આવેલ છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે રસ્તા પર વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા હોવી જરૂરી છે.
અમુક ખેડૂતો દ્વારા રસ્તામાં બોક્સ કલ્વર્ટ ન મૂકવાની રજૂઆત કરવામાં આવી રહી છે. તેમનું માનવું છે કે રસ્તાની એક બાજુ પાણી ભરાઈ રહે તો ખેતીની જમીનને ફાયદો થઈ શકે છે. જોકે, વાસ્તવિક પરિસ્થિતિમાં પાણીના ભરાવાથી ફાયદો થતી જમીન કરતાં નુકસાન થતી જમીન વધુ છે. જેના કારણે અનેક ખેડૂતોની ખેતીની જમીનને નુકસાન થાઈ છે.
હાલ આ રસ્તાનું કામ ચાલુ છે અને ટેન્ડર મુજબ અમુક અંતરે બોક્સ કલ્વર્ટ મૂકવાની જોગવાઈ છે. જેથી ચોમાસામાં રસ્તાની એક બાજુ પાણી ભરાઈ રહે નહીં અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે.રસ્તાના કામ દરમિયાન ટેન્ડર અને ટેકનિકલ નિયમો મુજબ યોગ્ય અંતરે બોક્સ કલ્વર્ટ મૂકવામાં આવે, જેથી વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ જળવાઈ રહે અને રસ્તાની બંને બાજુ પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે.જો બોક્સ કલ્વર્ટ મૂકવાથી યોગ્ય પાણીનો નિકાલ શક્ય ન હોય, તો રસ્તાની ઊંચાઈ અંગે સ્થળ તપાસ કરી રસ્તાને આસપાસની જમીનના લેવલ મુજબ બનાવવામાં આવે, જેથી રસ્તાની એક બાજુ પાણી ભરાઈ રહે નહીં અને ખેડૂતોની જમીનને નુકસાન ન થાય. સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે અને રસ્તાની બંને બાજુના ખેડૂતોની જમીનને થતું નુકસાન ધ્યાનમાં રાખીને ટેકનિકલ રીતે યોગ્ય નિર્ણય લેવામાં આવે.
રસ્તાનું કામ એવું થવું જોઈએ કે રસ્તાની બંને બાજુના ખેડૂતોને નુકસાન ન થાય, ખેતીની જમીનનું રક્ષણ થાય અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી રજૂઆત થઈ છે.

રિલેટેડ ન્યૂઝ