રાણાવાવમાં વ્હીસ્કીની એક બોટલ સાથે યુવાન થયો ઝબ્બે: હજારો રૂપિયાનો દેશી દારૂ પણ મળી આવ્યો
વડાળા-વિસાવાડા રોડ પર વ્હીસ્કીની બબ્બે લીટરની સાત બોટલ સાથે યુવાન ઝડપાયો છે. તો રાણાવાવમાં વ્હીસ્કીની એક બોટલ સાથે યુવાન ઝબ્બે થયો હતો. તે ઉપરાંત હજારો રૂપિયાનો દેશી દારૂ પણ મળી આવ્યો છે.
વડાળા-વિસાવાડા
રોડ ઉપર કાર્યવાહી
બગવદર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વડાળાથી વિસાવાડા તરફ જતા રસ્તેથી પસાર થઇ રહેલ એક ઇસમ પોલીસને જોઇને આડોઅવળો થવા લાગતા તેને અટકાવીને તલાસી લેતા તેની પાસેથી વ્હીસ્કીની બે-બે લીટરની સાત બોટલ સહિત 26,250નો મુદ્ામાલ મળી આવ્યો હતો જેથી તેની પૂછપરછ કરતા તે વડાળા રહેતો લખમણ ઉર્ફે ભુદરી લીલા ઓડેદરા હોવાનું કબુલ્યુ હતુ જેથી પોલીસે લખમણ સામે ગુન્હો નોંધીને ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
રાણાવાવમાં દરોડો
રાણાવાવના વાગડીયાવાસમાં રહેતા સંજય ગોવા આડીસરાને રાણાવાવના હોલેશ્ર્વર મંદિર તરફ જતા રસ્તે સ્મશાન પાસેથી વિદેશી દારૂની એક બોટલ સહિત 600ના મુદામાલ સાથે પકડી લીધો હતો.
દેશી દારૂના દરોડા
ઘાસગોડાઉન પાછળ રહેતા અરવિંદ ઉર્ફે કારુ સોમા પરમારને 400 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો. રાણાવાવના રબારીકેડામાં રહેતા મોહન ગોગન રાડાની ગેરહાજરીમાં 1000 રૂા.નો દારૂ મળી આવ્યો હતો. રાણાવાવના બસ સ્ટેશન પાછળ આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતી મંજુબેન લીલા કેશવાલાની ગેરહાજરીમાં તેના ઘરેથી 600 રૂા.નો દારૂ મળ્યો હતો. બેરણ ગામની સીમમાં રહેતો જગા બાવા ગુરગુટીયા હાજર મળી આવ્યો ન હતો પણ તેના ફળિયામાંથી 1400 રૂા.નો દારૂ મળ્યો હતો. અડવાણાના દેવીપૂજકવાસમાં રહેતા નરશી કારા પરમારની ગેરહાજરીમાં 1200 રૂા.નો દારૂ કબ્જે થયો હતો. ઓડદરના વણકરવાસમાં રહેતા કાનજી દિલીપ ચાંચીયાને 1000 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો. મહીયારી ગામના ખીમા કરશન પરમાર અને મેરુ સરમણ પરમારે ભાગીદારીમાં દારૂનો ધંધો શરૂ કર્યો હોવાની માહિતી મળતા કુતિયાણા પોલીસે દરોડો પાડયો હતો જેમાં બંને હાજર મળી આવ્યા ન હતા પણ 15 લીટર આથો અને ડોલ સહિત 425નો મુદામાલ કબ્જે કર્યો હતો.
