ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા યોજાશે કાર્યક્રમ
પોરબંદરના દરિયા મહેલ ખાતે દિવાળી નિમિત્તે દીપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદર શહેરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા તેમજ શહેરની ભવ્ય ધરોહર પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ કેળવવાના ઉમદા હેતુથી પોરબંદર ક્ધઝર્વેટરી દ્વારા દર વર્ષની પરંપરા જાળવી આ વર્ષે પણ દિવાળીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય ’દીપ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.આગામી 8 નવેમ્બર, 2026ના રવિવારે રાત્રે 8:30 કલાકે પોરબંદરના ગૌરવ સમાન ઐતિહાસિક દરિયા મહેલ ખાતે આ દીપ મહોત્સવ યોજાશે.નિરમા ફેક્ટરી સામે આવેલા પોરબંદરની ઐતિહાસિક ધરોહર સમાન દરિયા મહેલ એટલે કે આર.જી.ટી. કોલેજના પરિસરમાં યોજાનારા આ કાર્યક્રમમાં હજારો દીવડાઓના દિવ્ય પ્રકાશથી સમગ્ર દરિયા મહેલને ઝળહળતો કરવામાં આવશે. ઐતિહાસિક સ્થાપત્ય અને દીવડાઓના પ્રકાશનો અદભુત સમન્વય સર્જાતા અહીં ઉપસ્થિત સૌ કોઈ માટે આ નજારો યાદગાર બની રહેશે.
પોરબંદર ક્ધઝર્વેટરી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી શહેરની ઐતિહાસિક ઇમારતો અને ભૂલાઈ રહેલી ધરોહરને ફરીથી લોકો સમક્ષ ઉજાગર કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમયની સાથે અનેક ઐતિહાસિક ઇમારતો લોકોની નજરથી દૂર થતી જાય છે ત્યારે આવી ધરોહરનું જતન થાય, લોકોમાં તેના ઇતિહાસ પ્રત્યે ગૌરવની લાગણી જાગે અને ખાસ કરીને યુવા પેઢી પોતાના શહેરના સાંસ્કૃતિક વારસા સાથે જોડાય તેવા હેતુથી સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. દિવાળી એટલે અંધકાર પર પ્રકાશના વિજયનો પવિત્ર તહેવાર. આ પર્વની ઉજવણી માત્ર ઘરો અને શેરીઓને દીવડાઓથી શણગારીને જ નહીં, પરંતુ શહેરની ઐતિહાસિક ધરોહરને પણ પ્રકાશિત કરીને કરવામાં આવે તેવો સુંદર વિચાર આ દીપ મહોત્સવ પાછળ રહેલો છે. હજારો દીવડાઓના પ્રકાશથી દરિયા મહેલને રોશન કરવાનો આ પ્રયાસ પોરબંદરના ઇતિહાસ, સ્થાપત્ય અને સંસ્કૃતિ પ્રત્યેની લાગણીને વધુ મજબૂત બનાવશે. આ દીપ મહોત્સવમાં પોરબંદરની તમામ સામાજિક સંસ્થાઓના આગેવાનો, વિવિધ ગ્રુપના સભ્યો, વિદ્યાર્થીઓ, ઇતિહાસપ્રેમીઓ તેમજ શહેરની ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પોરબંદર ક્ધઝર્વેટરી દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સૌ નાગરિકો આ કાર્યક્રમમાં સહભાગી બની દીપ પ્રાગટ્ય દ્વારા ઐતિહાસિક ધરોહરની આ પ્રકાશમય ઉજવણીને શોભાવે તેવી અપીલ કરવામાં આવી છે.
