છાયામાં સ્કૂલોના સંચાલક અને તેના પરિવારજનો ઉપર થયો ઘાતક હુમલો

લ્યો બોલો મહાજનને મિલ્કત લેવાની પણ મનાઇ ?!
વૈશાલીનગરમાં બન્યો બનાવ: ઘરની પાસે ખરીદેલા પ્લોટમાં દરવાજો મુકવાનુ કામ કરતા હતા ત્યારે ગેરકાયદેસર મંડળી રચી લાકડી, ધોકા વડે પાડોસી પરિવાર તૂટી પડયો: ત્રણ મહિલા સહિત છ ઇસમો સામે થઇ ફરિયાદ

એક સમયે પોરબંદરમાં માથાભારે લોકોની ધાક રહેતી હતી અને લોકોએ મિલ્કત ખરીદવી હોય તો પણ ડરવુ પડતુ હતુ. છેલ્લા કેટલાક વર્ષોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે પરંતુ અમુક-અમુક સમયે પોલીસ ચોપડે ચડતા બનાવો સિધ્ધ કરી રહ્યા છે કે હજુ પણ કયાંક કયાંક દાદાગીરી થતી જોવા મળે છે ત્યારે છાયાના વૈશાલીનગરમાં આવો એક કિસ્સો પોલીસ ચોપડે ચડયો છે જેમાં શહેરની જાણીતી સ્કૂલોના સંચાલક અને તેના પરિવારે તેના ઘર પાસે આવેલો પ્લોટ ખરીધ્યો હોવાથી બાજુમાં રહેતા પરિવારને કોઇ કારણોસર તે માફક આવ્યુ નહી હોવાના કારણે તેમના ઉપર ઘાતક હુમલો કરવામાં આવતા ઘવાયેલા લોકોને હોસ્પિટલે લવાયા બાદ ફરીયાદ દાખલ થઇ છે.
પોરબંદરના છાયા વિસ્તારમાં પંચાયત ચોકી પાસે આવેલ વૈશાલીનગરમાં રહેતા અને જાણીતી ગજાનન એકેડેમીના માધ્યમથી જુદી જુદી સ્કૂલોનું સંચાલન કરતા પાંઉ પરિવારના સભ્યો ઉપર થયેલા હુમલાની ફરીયાદની વિગત સામે આવી છે. જેમાં ફરીયાદી હીરેનભાઇ નટવરલાલ પાઉ ઉ.વ. 54 દ્વારા જણાવાયુ છે કે તેઓ રવિવારે સાડા અગિયાર વાગ્યે તેમના નાનાભાઇ કમલભાઇ પાંઉ સાથે ઘરને અડીને લીધેલા પ્લોટમાં દરવાજો મૂકવાનું કામ કરાવી રહ્યા હતા એ દરમ્યાન તેની સામે રહેતા પાડોશી કારા રામા ભુતીયા તથા તેના બે દીકરા કિશોર અને કેતન તથા કારાભાઇની પત્ની રાંભીબેન ઉપરાંત કિશોરની અને કેતનની પત્ની વગેરે ત્યાં આવ્યા હતા અને કારાભાઇએ હીરેનપાંઉ અને કમલ પાંઉને ‘આ પ્લોટમાં ગેટ મુકવાનું કામ કેમ કરો છો?’ તેમ કહેતા હીરેનભાઇએ તેઓને ‘આ પ્લોટ અમે લીધેલ છે તેથી ગેટ મુકવાનું કામ કરીએ છીએ’ તેમ કહેતા તેઓ બધા ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા જેથી કમલભાઇ પાંઉએ તેઓને ગાળો બોલવાની ના પાડતા કારાએ તેનો કાંઠલો પકડી લીધો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. તે દરમ્યાન કારાનો દીકરો કેતન લાકડીથી હીરેન ઉપર હુમલો કરવા ગયો ત્યારે કમલભાઇ વચ્ચે પડતા તેમને માર મારવામાં આવ્યો હતો.
એ દરમ્યાન હીરેનભાઇનો દીકરો કિશન કે જે અમદાવાદ ખાતે રહીને સરકારી નોકરીની તૈયારી કરે છે તે ત્યાં ઘરે આવ્યો હોવાથી ઝઘડો થતા તેણે વચ્ચે પડીને ઝઘડો નહી કરવાનું જણાવતા કિશોરે કિશન સાથે ગાળાગાળી કરી લાકડી વડે માથામાં મારી દેતા તે લોહીલુહાણ થઇ ગયો હતો. આથી હીરેનભાઇની પત્ની હેતલ ત્યાં આવતા તેને પણ ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા. કારો, કિશોર અને કેતન લાકડી અને ધોકા વડે કિશનને આડેધડ માર મારવા લાગ્યા હતા અને ત્યાર પછી તેઓએ ‘આજ પછી આ પ્લોટમાં ગેટ નાખશો તો જાનથી મારી નાખશુ’ તેવી ધમકી આપી હતી અને બેફામ ગાળો બોલતા હતા.
કોઇએ 108ને જાણ કરતા તેમાં ઘાયલોને ભાવસિંહજી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને પરિવારના સભ્યોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ અંતે હિરેનભાઇ પાંઉએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં એવુ જાહેર કર્યુ છે કે તેઓએ તેના ઘરને અડીને એક પ્લોટ દોઢ વર્ષ પહેલા લીધો હતો અને એ પોતાના માલિકીના પ્લોટમાં ગેટ મુકવાનુ કામ કરતા હતા ત્યારે તેમની સામે રહેતા કારા રામા ભુતીયા અને તેના પરિવારના સભ્યોએ હુમલો કર્યાનું જણાવ્યુ છે. ત્યારે કમલાબાગ પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.એમ. ભોળાએ આગળની તપાસ હાથ ધરી છે.

મહાજન સમાજ અને સંસ્થાઓ આગળ આવે તે જરૂરી
પોરબંદરમાં અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કમલભાઇ પાંઉ અને તેમના પરિવારનું શૈક્ષણિક ક્ષેત્રે પણ ખૂબ મહત્વનું યોગદાન રહ્યુ છે આ બનાવથી એ વાત સિધ્ધ થાય છે કે મહાજનોને મિલ્કત ખરીદીમાં પણ દબાણમાં રહેવુ પડયુ છે તેથી આ બનાવ અંગે હવે પોરબંદર અને છાયા લોહાણા મહાજન સમાજ અને મહાજન સંસ્થાઓ આગળ આવે અને જવાબદારો સામે કડક પગલા ભરવા માટે અને ફરીથી આવો બનાવ બને નહી તે માટે પડોશમાંજ રહેતા પરિવારને પોલીસ કાયદાનું ભાન કરાવીને સમજ આપે તેવી લાગણી વ્યકત કરવામાં આવી હતી.

દોઢેક વર્ષથી નાની મોટી માથાકૂટ જતી કરી હોવાથી ધારણ કર્યુ વિકરાળ સ્વરૂપ: કમલભાઇ પાંઉ
પોરબંદરની જુદી જુદી સ્કૂલોનું ગજાનન એકેડમીના માધ્યમથી સંચાલન કરતા ડાયરેકટર કમલભાઇ પાંઉએ હુમલા વિષેની વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ‘દોઢ વર્ષ પહેલા તેમણે ઘર પાસેનો પ્લોટ ખરીદી લીધો હતો. એ પ્લોટમાં તેની સામે રહેતા પાડોશી કારા રામા ભુતીયા અને તેના પરિવારના સભ્યો પોતાના ટ્રક સહિતના ફોરવ્હીલ પાર્ક કરતા હતા. જેથી કમલભાઇ અને તેના પરિવારે પ્લોટ ખરીધ્યા બાદ કમ્પાઉન્ડ બનાવવાની કામગીરી કરી હતી. ત્યારથી જ સામે રહેતા કારા રામા ભુતીયા અને તેના પરિવારને પસંદ નહી હોવાથી નાની મોટી માથાકૂટ થતી હતી જેથી આવી માથાકૂટો જતી કરી હતી પરંતુ રવિવારે ગેટ બનાવવાનું કામ શરૂ કર્યુ ત્યારે અચાનક જ લાકડી, ધોકા વડે પાડોશીઓ તૂટી પડયા હતા તેમ ઉમેર્યુ હતુ.

રિલેટેડ ન્યૂઝ