ખાગેશ્રી-જામજોધપુર રોડ પર બાઇક સ્લીપ થતા યુવાનનું નિપજ્યુ મોત

બેફિકરાઇથી બાઇક ચલાવીને પોતાનુ જ મોત નિપજાવનાર ભાણેજ સામે મામાએ નોંધાવ્યો ગુન્હો

ખાગેશ્રી -જામજોધપુર રોડ પર બાઇક સ્લીપ થતા યુવાનનું મોત થયુ છે જેમાં બેફિકરાઇથી બાઇક ચલાવીને પોતાનુ જ મોત નિપજાવનાર ભાણેજ સામે મામાએ ગુન્હો નોંધાવ્યો છે.
ખાગેશ્રી ગામે બેન્કની પાસે રહેતા લખમણભાઇ ગોરધનભાઇ વાછાણી નામના 75 વર્ષના વૃધ્ધે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેનો ભાણેજ નયન જમનભાઇ ઉ.વ. 45 તેનુ બુલેટ બાઇક લઇને વાડીએથી ઘરે આવતો હતો ત્યારે ખાગેશ્રીથી જામજોધપુર તરફ જતા રસ્તે ગેટથી થોડે દૂર બાઇક સ્લીપ થતા નયનને નાનીમોટી ઇજાઓ થઇ હતી તેથી તેને સારવાર માટે લઇ જવા 108ને જાણ કરી હતી. તે બેભાન થઇ ગયો હતો અને 108ની ટીમ આવે તે પહેલા કારમાં તેને લઇ જવાતો હતો ત્યારબાદ એમ્બ્યુલન્સમાં સીફટ કરીને કુતિયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જેથી વધુ સારવાર માટે બહાર લઇ જવાનું કહેવામાં આવતા ઉપલેટાની ક્રિષ્ના હોસ્પિટલે લઇ જવાયો હતો.ત્યાંના ડોકટરે 108માંજ નયનને ચેક કરીને સરકારી હોસ્પિટલમાં લઇ જવાનું કહ્યુ હતુ. આથી નયનને ઉપલેટાની સરકારી હોસ્પિટલે લઇ જવાતા ફરજ પરના ડોકટરોએ તપાસતા નયનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આથી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી થઇ હતી.
ત્યારબાદ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં લખમણભાઇ વાછાણીએ તેના ભાણેજ નયન જમનભાઇ સામે બેફિકરાઇથી બાઇક ચલાવીને બાઇક સ્લીપ થતા ખુદનું પોતાનુ જ મોત નિપજાવ્યાનો ગુન્હો દાખલ કરાવ્યો છે.

બેફિકરાઇથી વાહન ચલાવનારા ઇસમો સામે નોંધાયા ગુન્હા
નરસંગ ટેકરીના હરીશ માલદે શીંગરખીયાને નશાની હાલતમાં રીક્ષા ચલાવતા પકડી લેવાયો હતો. માધવપુરની પુધર સીમશાળા પાસે રહેતા સુનીલ પોપટ ડાભીને ગોસા ચેકપોસ્ટ પાસેથી રોંગસાઇડમાં ફૂલસ્પીડે બાઇક ચલાવતા પકડી પાડયો હતો. રાણાવાવની મટન માર્કેટ પાસે રહેતા મહમદ અનીશ હારૂન રાવકુડાએ પોતાની પ્યાગો રીક્ષા રામમંદિર પાસેના પુલ ઉપર ભયજનક રીતે પાર્ક કરતા ગુન્હો દાખલ થયો હતો. માધવપુરના ભરત ઉર્ફે ભજી ગોવિંદ બાલસને ફૂલસ્પીડે સ્કૂટર ચલાવતા મોટા ઝાંપા પાસેથી પકડી લેવાયો હતો. મીયાણીના પ્રવીણ હમીર જમોડને પુર ઝડપે બાઇક ચલાવતા મીયાણી ગામેથી પકડી લેવાયો હતો.

રિલેટેડ ન્યૂઝ