શાપરના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો

પ્રેમીકાને મળવા જતા મૃતક અને તેના મિત્રોએ માર માર્યાની જુની અદાવતનો બદલો લેવા હત્યા કરી લાશ ફેકી દીધીતી : હૈદરાબાદથી બેની ધરપકડ: બે હજુ ફરાર

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 27
રાજકોટની ભાગોળે આવેલ ઔદ્યોગિક વશાહત શાપર-વેરાવળ ખાતે દલીત યુવાનની ઠંડા કલેજે હત્યા કરી લાશ રીક્ષામાં નાખી ઓવરબ્રીજ નીચે ફેંકી નાસી છુટેલા બે શખ્સોને હૈદરાબાદમાંથી પોલીસે ઝડપી લઈ આગવી ઢબે પુછપરછ કરતા હત્યા પૂર્વયોજીત કાવત્રુ હોવાનું અને પાંચ વર્ષ પહેલા મુખ્ય આરોપી પર તેની પ્રેમીકાની નજર સામે જ થયેલા હુમલાનું વેર વાળવા દલિત યુવાનની લોથ ઢાળી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હત્યાના કાવત્રામાં દલિત યુવાનના મિત્રની જ મદદ લઈ તેને પારડી ફાટક પાસે અવાવરૂ સ્થળે બોલાવી બે રહેમીથી માર મારી પતાવી દીધા બાદ લાશને રીક્ષામાં નાખી ઓવરબ્રીજ નીચે ફેંકી દઈ હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સીસીટીવી ફૂટેજે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ નજીક શાપર-વેરાવળ સર્વોદય સોસાયટીમાં રહેતો અને છૂટક મજુરી કામ કરતા નિલેશ ઉર્ફ ભદો દેવશી સોંદરવા (ઉ.વ.20) ગઈ તા. 23-11-21 ના રાત્રે 8 વાગ્યે ઘરેથી માતાના મોબાઈલમાં બેલેન્સ પૂરાવવા જવાનું કહી નીકળી ગયા બાદ તા. 24-11 ના સવારે પાટડી ઓવરબ્રીજ નીચેથી તેની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી.
ફોરેન્સીક પોસ્ટમોર્ટમમાં દલીત યુવાનને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી ઠંડા કલેજે હત્યા કરી લાશને બે રહેમી પૂર્વક ઢસડવામાં આવી હોવાનો અભિપ્રાય આપતા શાપર-વેરાવળ પોલીસે મૃતક યુવાનને કચ્છ મુંદ્રા રહેતા મોટાભાઈ આગર દેવશી સોંદરવાની ફરીયાદ પરથી નિલેષના મિત્રો ચિરાગ રાજેશ જોષી અને જીજ્ઞેશ ઉર્ફ ભથલી કાનાભાઈ કોળી સહિત ચાર શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
પોલીસની તપાસમાં જૂના મન દુ:ખ અને છેડતીના પ્રશ્ર્ને મિત્રોએ જ નિલેષને અવાવરૂ સ્થળે બોલાવી હત્યા કર્યા બાદ લાશ રીક્ષામાં માંથી ઓવરબ્રીજ નીચે ફેંકી દઈ હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સી.સી. ટીવી ફૂટેજે હત્યાનો ભાડો ફોડી નાખ્યો હતો.
આ ગુનામાં સંડોવાયેલા બે આરોપી સીસીટીવીમાં ઓળખાયા બાદ પોલીસે તેના પર તપાસ કેન્દ્રીત કરતા બંને આરોપીનું લોકેશન અમદાવાદ, ગાંધીનગર, મુંબઈ અને છેલ્લે હૈદરાબાદ મળ્યું હતું. જેની પાછળ સતત વોચમાં રહેલી એલ.સી.બી.ના જાંબાજ જવાનો પગેરૂ દબાવતા હૈદરાબાદ પહોંચ્યા હતા અને આરોપી પોરબંદરના છાયા પ્લોટમાં રહેતા ભરત ઉર્ફે ભૂરો કાંતીભાઈ ચાચીયા (ઉ.વ.25) અને મુળ કેશોદના બાલા ગામના અને હાલ શાપર-વેરાવળ રહેતા રિક્ષા ડ્રાઈવર ચીરાગ રાજેશ જોશી (ઉ.વ.26)ની ધરપકડ કરી હતી.બંને આરોપીની પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા ચોકાવનારી હકીકત બહાર આવી હતી પોરબંદર રહેતા પરણીત ભરત ઉર્ફે ભૂરાને માણાવદર તાલુકાના કટક પરા ગામની દલિત યુવતિ સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હોય અને તેને મળવા અવાર નવાર તેના ગામ જતો હોય 2018 માં પ્રેમીકાને મળવા આવેલા ભરત ઉર્ફે ભૂરાને મરનાર નિલેશ ઉર્ફે ભદો જોઈ જતા ગામના લોકોને ભેગા કરી 30 થી 35 જેટલા શખ્સોએ ભૂરાને પ્રેમીકાને મળવા આવવાની સજા રૂપે બે રહેમીથી મરણતોલ માર માર્યો હતો. જો કે, આ બનાવની જે તે વખતે ભૂરાએ પોલીસ ફરીયાદ કરી ન હતી પરંતુ પ્રેમીકાની નજર સામે તેના પર થયેલા હુમલાને દાઢમાં રાખી હતી. પોતાના પર થયેલા હુમલાનો બદલો લેવા માટે ભરત મનસુબો ઘડી નિલેશ ઉર્ફે ભદો છેલ્લા છ મહિનાથી તેનું મુળ વતન માણાવદરના કટકપરા ગામ છોડી શાપર-વેરાવળ રહેવા જતો રહ્યો હોય ભરત ઉર્ફે ભૂરો અવાર નવાર શાપર-વેરાવળ આવી નિલેશના મિત્રોની મદદ લીધી હતી. અગાઉથી જ ઘડેલા પ્લાયન મુજબ નિલેષ ઉર્ભે ભદાના મિત્ર ચીરાગ જોષી, સોહિલ રફીકભાઈ જલવાણી અને જીજ્ઞેશ ઉર્ભે ભયલી કાનાભાઈ વાઢીયાની મદદ લઈ પોતાના પ્લાનમાં સામેલ કર્યા હતા અને બનાવની રાત્રે ચીરાગ તેના મિત્ર નિલેશ ઉર્ફે ભદાને ફોન કરી બોલાવી પારડી રેલ્વે ફાટક પાસે અવાવરુ સ્થળે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અગાવથી જ અન્ય આરોપીઓ હાજર હોય મુખ્ય સુત્રધાર ભરત ઉર્ફે ભૂરો અને અન્ય આરોપીઓએ ધોકા,પાઈપ વડે બે રહેમીથી માર મારી નિલેશની હત્યા કર્યા બાદ બનાવને અકસ્માતમાં ખપાવી દેવામાટે લાશને ચિરાગની જ રીક્ષામાં ઓવરબ્રીજની નીચે ફેંકી દીધાની કબૂલાત આપી છે.
પોલીસ માટે પડકાર રૂપ હત્યાનો ભેદ ઉકેલાયો છે. ત્યારે હત્યા પૂર્વયોજીત કાવતરૂ હોવાનું બહાર આવતા પોલીસે આ બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરી હત્યાનો પ્લાન ક્યાં ઘડાયો તે મુદ્દે અને નાસતા ફરતા અન્ય બે આરોપીઓને ઝડપી લેવા બંને આરોપીઓને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ