રાજકોટ, જામનગર, વાંકાનેર અને મોરબીમાં કસ્ટમના દરોડા

કસ્ટમના દરોડામાં 500 આઇફોન કબ્જે: 3 કરોડનો માલ સીઝ
ડયુટી ચોરીનું કૌભાંડ ખુલવાની આશંકા: આગામી દિવસોમાં નવા-જૂની થવાની શકયતા

જામનગર તા 13,
જામનગર કસ્ટમ વિભાગ દ્વારા સૌરાષ્ટ્રભરમાં રાજકોટ- જામનગર-વાંકાનેર અને મોરબી સહિતના જિલ્લાઓમાં મોબાઈલ સોપ પર દરોડા પાડી જંગી ડ્યુટી ચોરી પકડી પાડી છે. જામનગર, રાજકોટ-વાંકાનેર અને મોરબી જિલ્લામાં આવેલી મેહુલ અને નવરંગ મોબાઈલ કંપનીના 13 જેટલા શો રૂમો પર કરવામાં આવેલી કાર્યવાહીમાં ત્રણ કરોડ ઉપરાંતના આઈ ફોન અને એસેસરીઝ કબજે કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ સંસ્થાનોએ છેલ્લા બે-ત્રણ વર્ષમાં જંગી ડ્યુટી ચોરી કરી હોવાની વિગતો સામે આવી છે. જેને લઈને કસ્ટમની ટીમે તમામ સંસ્થાનો પરથી વેચાણ રજીસ્ટર પણ કબજે કર્યા છે.
સુત્રોનું માથી મળતી માહિતી મુજબ તમામ 13 મોબાઈલ શોપમાંથી 500 ઉપરાંત આઈફોન કબજે કર્યા છે.જે દુબઈથી ભારતમાં મુંબઈ, ચેન્નઈ સહીત ચાર શહેરમાં મોબાઈલ ગ્રે માર્કેટમાં સપ્લાય કરવામાં આવતા હતા, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ આ જથ્થો આવતો હોવાનું સામે આવ્યું છે. આગામી દિવસોમાં વધુ કડાકા ભડાકા થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. કસ્ટમે મોડી રાત સુધી કાર્યવાહી કરી તમામ સંસ્થાનો સીલ કર્યા છે.
જામનગર, રાજકોટ, મોરબી અને મોરબી જીલ્લાના વાંકાનેરમાં આવેલી નવરંગ અને મેહુલ કંપની અને તેની સાથે સંકળાયેલ જુદા જુદા તેર સંસ્થાનો પર કસ્ટમની જુદી જુદી તેર ટીમ દ્વારા કાર્યવાહી કરી હતી.
જેમાં જામનગરમાં લીમડાલાઈન તેમજ અંબર સિનેમા રોડ વિસ્તારમાં આવેલ ચાર મોબાઈલ શોપ, મોરબીમાં ત્રણ, એક વાંકાનેર અને રાજકોટમાં આવેલ પાંચ એકમો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ કંપની દ્વારા વિદેશમાંથી આઈફોન આયાત કરી ડ્યુટી ચોરી આચરવામાં આવતી હોવાની બાતમીને લઈને કસ્ટમ સહિતના વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.ગઈ કાલે સવારથી શરુ થયેલ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી, અને ટીમોએ 500 ઉપરાંત મોબાઈલ ફોન અને એસેસરીઝ કબજે કરી હતી. આ તમામ મોબાઈલ બીલ વગરના એટલે કે ડ્યુટી ભર્યા વગરના હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા બે ત્રણ વર્ષથી આ શો રૂમ પરથી વેચવામાં આવેલા મોબાઈલ અંગેનું વેચાણ સહિતનું રજીસ્ટર પણ કબજે કરવામાં આવ્યું હતું. આ પ્રકરણની સંપૂર્ણ તપાસ બાદ 500 ઉપરાંત મોબાઈલ અને એસેસરીઝની ડ્યુટી ચોરી સામે આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી કસ્ટમના પ્રિન્સિપલ કમિશ્નર ડો. રામનિવાસ, એડીશનલ કમિશ્નર મોહિત અગ્રવાલ, ડેપ્યુટી કમિશ્નર ડો. સરન્યાસી અને સુપ્રિટેન્ડન્ટ આર. એમ. મીના દ્વારા કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ