લોન નહીં ભરનાર 216 આસામીઓની 88 કરોડની મિલ્કતની જપ્તી થશે

રઘુવીર બિલ્ડકોન, લક્ષ્મી જ્વેલર્સ, અનીતા એક્સપોર્ટ સહિતના ઉદ્યોગપતિ ઝપટે: કલેકટર લાલઘુમ

રાજકોટ તા.13
રાજકોટમાં સરકારી અને ખાનગી બેન્કમાંથી લોન લઈ વિજય માલીયા બની ગયેલા આસામીઓની રૂા.88 કરોડની મિલકત જપ્ત કરવાના આદેશ જિલ્લા કલેકટરે આપ્યા છે અને આ માટે જે-તે વિસ્તારના મામલતદારોને અધિકૃત કરવામાં આવતાં તહેવાર પછી ફટાફટ મિલકત સિલની કાર્યવાહી થનાર હોવાના નિર્દેશો મળી રહ્યા છે.
જિલ્લા કલેકટરે આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટની અનેક બેન્કમાંથી કરોડો રૂપિયાની લોન લઈ હપ્તા નહીં ભરતા 216 જેટલા આસામીઓની મિલકત સિઝ કરવાની કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે. સિક્યુરાઈઝેશન એક્ટ-2005 મુજબ બેન્કનું લેણુ વસુલવા આસામીઓની દૂકાન, રહેણાંક, ઈન્ડસ્ટ્રીઝ સહિતની મિલકતો જપ્ત કરવામાં આવનાર છે.
બેન્કમાંથી સૌથી વધુ 8 કરોડની લોન લેનાર આર્યમાન ઈમ્પેક્સ નામની પેઢીએ બેન્કનું લેણું ભરપાઈ નહીં કરતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આવી જ રીતે કૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝના એક કરોડ, લક્ષ્મી જ્વેલર્સના 2.60 કરોડ, નિલકંઠ ઈલેકટ્રીકના 1.50 કરોડ, રઘુવીર બિલ્ડકોનના 3 કરોડ, અનીતા એક્સપોર્ટના 69 લાખ સહિતના આસામીઓએ બેન્કને ચૂનો ચોપડતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ આસામીઓએ રાજકોટ નાગરિક બેન્ક, બેન્ક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેન્ક, શ્રી રામ હાઉસીંગ ફાયનાન્સ, એ.યુ.ફાયનાન્સ, રિલાયન્સ ફાયનાન્સ, એગ્રીવાઈઝ ફાયનાન્સ, સી.એમ.એસ. રીક્રન્સ, દિવાન ફાયનાન્સ, ઈન્ડીયા બૂલ, એલ.એન.ટી. ફાયનાન્સ, ફોરેસિક એસોસીએટ સહિતની બેન્ક અને ખાનગી પેઢીમાંથી કરોડો રૂપિયાની લોન લેવામાં આવી હતી.
આ બેન્કોએ જે-તે વખતે પેઢી અને આસામીઓની મિલકતના આધારે બેન્ક લોન આપી હતી. પરંતુ, આસામીઓએ બેન્કમાંથી લોન લીધા બાદ એકપણ હપ્તો નહીં ચુકવતા કલેકટરનું શરણુ લીધું હતું. જિલ્લા કલેકટરે બેન્કની લોન વસુલાત માટે જે-તે મામલતદારને અધિકૃત કરી મિલકત જપ્તી કરવાના આદેશ આપ્યા છે.

દેશમાં NPAમાં રાજકોટની પણ ભાગીદારી
આર્થિક રીતે સમૃધ્ધ ગણાતા રાજકોટમાં પણ હવે બેન્ક સાથે ફ્રોડના બનાવો વધવા માંડ્યા છે. કોરોના અને મંદી બાદ મોટાભાગના ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ બેન્કમાંથી કરોડો રૂપિયાની લોનો લીધી છે. પરંતુ, મંદી અને કોરોનાની થપાટના કારણે વેપાર ધંધાની ગાડી પાટે નહીં ચડતાં અનેક ધંધાર્થીઓના ઉઠમણાં થઈ રહ્યા છે.
ગત વર્ષે 4.40 લાખ કરોડનું NPA
કોરોનાના કારણે વેપાર ધંધા ઠપ્પ થતાં બેન્કના એનપીએમાં ચોંકાવનારો વધારો થયો છે. સપ્ટેમ્બર 2020 સુધીમાં સમગ્ર દેશની બેન્કોમાં નોન પર્ફોમીંગ એસેટ (એનપીએ)નો આંકડો 4.40 લાખ કરોડ આસપાસ પહોંચી ગયો છે. જે અત્યાર સુધીમાં સર્વાધિક હોવાનું જાહેર થયું છે. ધંધા ઠપ્પ થવાને કારણે બેન્ક સાથે છેતરપીંડીના બનાવો વધ્યા છે.

રિલેટેડ ન્યૂઝ