રાજકોટ પોલીસે જૂના મેમોની ઉઘરાણી શરૂ કરતાં વાહન ચાલકોમાં દેકારો

ઇ-મેમોના ચડત દંડ વસુલવા ટ્રાફીક પોલીસે ફૌજ ઉતારી, દંડ ન ભરે તો વાહન ડિટેઇન સુધીની કાર્યવાહી

રાજકોટ તા.13
કોરોનાકાળમાં લોકોની આવક ઉપર સૌથી વધુ અસર પડી છે ત્યારે હજુ માંડ શહેરીજનોની ગાડી પાટે ચડી રહી છે ત્યાં પોલીસ કમિશ્નરની સૂચનાથી ઈ-મેમાની પઠાણી ઉઘરાણી કરવા માટે ટ્રાફિક એસીપી દ્વારા અલગ અલગ ટીમો બનાવી જાહેર ચોકમાં ઈ-મેમોના દંડની ઉઘરાણી શરૂ કરી દેતાં શહેરીજનોમાં દેકારો બોલી ગયો છે.
રાજકોટની ટ્રાફિક વ્યવસ્થા સૂચારુ રૂપ બને અને ગુનાખોરી અંકૂશમાં આવે તે માટે લોક ભાગીદારીથી રાજકોટ શહેરના રાજમાર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનો કમાન ક્ધટ્રોલ રૂમ પોલીસ કમિશ્નર કચેરી ખાતે બનાવવામાં આવ્યો છે. શહેરના રાજમાર્ગો પર ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરાને પોલીસ કમિશ્નરે આવકનું સાધન બનાવી સીસીટીવીના માધ્યમથી ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાઓને ઈ-મેમા ફટકારવાની શરૂઆત કરી હતી. બે વર્ષથી પણ વધુ સમયથી ફટકારવામાં આવતા ઈ-મેમોની શહેરીજનો દરકાર કરતા ન હોય અને દંડ પણ ભરતા ન હોય ઈ-મેમાનો દંડ કરોડોને આંબી ગયો છે જેની શહેરીજનો પાસેથી વસુલાત માટે પોલીસ કમિશ્નરની સૂચનાથી ટ્રાફિક એસીપીએ કાર્યવાહી શરૂ કરી છે. ટ્રાફિક શાખાની અલગ અલગ ટીમો બનાવી રાજમાર્ગો પર સવાર અને સાંજે વાહન ચેકીંગ શરૂ કર્યું છે અને જે વાહનચાલક પર ઈ-મેમાનો દંડ ચડત હોય તેઓને રોકી સ્થળ પર જ દંડ વસુલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને જો દંડ ન ભરે તો વાહન ડીટેઈન કરવામાં આવી રહ્યા છે.
ઇ-મેમાના દંડ વસુલાત માટે ટ્રાફિક શાખા દ્વારા ઝૂંબેશ શરૂ કરતા વાહન ચાલકો અને શહેરીજનોમાં દેકારો બોલી ગયો છે.

રિલેટેડ ન્યૂઝ