રાજકોટના પડધરીમાં જંગલી ભૂંડ હિંસક બન્યું, 4 લોકોને બચકાં ભર્યાં

પડધરીમાં એક જંગલી ભૂંડનો આતંક સામે આવ્યો છે. પડધરીના ગીતાનગરમાં એક ભૂંડ હિંસક બની લોકો પર ત્રાટક્યું હતું, જેમાં ચાર લોકોને બચકાં ભરી લેતાં લોહીલૂહાણ થયા હતા. બાદમાં આ ભૂંડ એક વંડામાં ઘૂસી ગયું હતું. આ ભૂંડને પકડવા માટે યુવાન વંડામાં ગયો તો તેના પર હિચકારો હુમલો કરી દીધો હતો. આ યુવાનના બન્ને પગ, હાથ અને છાતીમાં ઘાતક દાંત બેસાડી દીધા હતા, આથી યુવાન લોહીલુહાણ થઈ ગયો હતો.

જંગલી ભૂંડના હુમલાથી પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે, જેમાં પકડવા ગયેલો યુવાન ખૂબ જ ગંભીર રીતા ઘાયલો થયો છે. જંગલી ભૂંડના આતંકથી ગીતાનગર વિસ્તારમાં રહેતા લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

ભૂંડ પકડી તંત્ર ગીતાનગરમાં છોડી મૂકે છે
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે ખેતરોમાં પાકને નુકસાન પહોંચાડતાં જંગલી ભૂંડ પકડીને તંત્ર ગીતાનગર સ્લમ વિસ્તારમાં છોડી મૂકે છે, આથી અમારા વિસ્તારમાં ભૂંડ હિંસક બની લોકો પર હુમલો કરે છે. ભૂંડના હુમલાથી આજે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં એક તો પકડવા ગયેલા યુવાન પર જ ભૂંડે જીવલેણ હુમલો કરી દીધો હતો. જંગલી ભૂંડ બાળકોને પણ બચકાં ભરે છે. હાલ અમારા વિસ્તારમાં ભયનો માહોલ છે.

રિલેટેડ ન્યૂઝ