એક પણ સ્થળેથી રોકડ નહી મળતા કરી તોડફોડ: બે શખ્સ થયા કેમેરામાં કેદ
રાજકોટ તા. 23
શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પોલીસના નાઈટ પેટ્રોલીંગના ધજાગરા ઉડાડી તસ્કરો ગોંડલ રોડ પર રવેચીનગરમાં એક જ રાતમાં આઠ દુકાનોના તાળા તોડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે જો કે તસ્કરોને એક પણ દુકાનમાંથી મોટી રોકડ કે વસ્તુ હાથ ન લાગતા તોડફોડ કરી નાશી છુટયા હતાં. સીસીટીવી ફુટેજમાં બે શખ્સો કેદ થઈ ગયા હોય પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ,ગોંડલ રોડ પરના મહમદીબાગ શેરી નં.10માં રહેતા ફરિયાદી રઝાકભાઈ નુરમહમદભાઈ દોઢીયા(ઉ.વ.52)ની ગોંડલ રોડ પર રવેચીનગર શેરી નં.6માં વિવેક એન્ટરપ્રાઈઝ નામની સ્પેર પાર્ટસની દુકાન છે.તેના મોબાઈલમાં દુકાનમાં લગાડેલા સીસીટીવી કેમેરા છે.ગઈકાલે સવારે તેણે મોબાઈલમાં જેતા દુકાનમાં સામાન અસ્ત વ્યસ્ત જોવા મળ્યો હતો.જેથી તત્કાળ દુકાને દોડી ગયા હતા.શટરના તાળાં તોડી જોતાં પાછળની બારીમાંથી તસ્કરોએ પ્રવેશ કર્યાનું જાણવા મળ્યું હતું. ટેબલના ખાના અને દુકાન ચેક કરતાં કોઈ વસ્તુની ચોરી થયાનું જણાયું ન હતું. ત્યારબાદ આજુ બાજુમાં વધુ તપાસ કરતા બાજુમાં આવેલી મજીદ સુલેમાનભાઈ ડેલાની કારવા ગેરેજ,અભયસિંહ પથુભાઈ ચૌહાણની તીરૂૂપતી મોટર્સ,સંજયભાઈ મોહનભાઈ દેવડીયાના વિશ્ર્વકર્મા મોટર ગેરેજ,સીરાજભાઈ ઓસમાણભાઈ સુમરાના નેશનલ કાર એ.સી. ગેરેજ,રાજેશભાઈ ભગવાનદાસ રામાવતના સદ્દગુરૂૂ મારબલ, મયુરભાઈ મગનભાઈ વીરોજાની માલીકીના મયુર ગ્રેનાઈટ અને સંજયભાઈ હેમરાજભાઈ ગાંગાણીની માલીકીના પટેલ ગ્રેનાઈટ એન્ડ સીરામીકમાં પણ તસ્કરો ત્રાટકી ટેબલના ખાના ફંફોડયા હતા.પરંતુ કોઈ મોટી મત્તા હાથ લાગી ન હતી.આ બનાવ અંગે તાલુકા પોલીસે ચોરીનો પ્રયાસ અને નુકશાનીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.