રાજકોટ યાર્ડમાં અડદની આવક શરૂ: મુર્હુતોના ભાવ મણનો રૂા.1438

રાજકોટ તા.23
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં નવી જણસીઓની આવકો તબક્કાવાર શરૂ થઈ રહી છે. ત્યારે આજે યાર્ડમાં નવા અડદની આવકના શ્રી ગણેશ થયા હતાં. પ્રથમ દિવસે મુહૂર્તમાં પ્રતિ મણ રૂા.1438ના ભાવે સોદો થયો હતો. રાજ્ય સ્તરે કોમોડીટી બજારમાં હાલ અડદમાં માગની સામે સપ્લાય ઓછી હોવાથી તેજીનો દૌર જોવા મળી રહ્યો છે. દરમિયાન આજે યાર્ડમાં મગફળીમાં 19,500 મણ અને જીરૂમાં 2500 મણની આવકે ભાવનું મથાળ જળવાયેલું હતું. માર્કેટીંગ યાર્ડના સુત્રોએ જણાવ્યું હતું કે, આજે સપ્તાહના પ્રથમ દિવસે નવા અડદમાં 53 મણની આવક થઈ હતી. સોરઠા ગામના ખેડૂત જયસુખભાઈના નવા અડદનો ગુરૂકૃપા કમિશન એજન્ટ દ્વારા રૂા.1438ના ભાવે હરાજી થઈ હતી અને લેનાર તરીકે મનિષભાઈ નામના વેપારી હોવાનું જણાવાયું હતું. કોમોડીટી માર્કેટના સુત્રોએ જણાવ્યું હતું કે, અડદમાં હાલ સપ્લાયની સરખામણીએ માગ વધુ હોવાથી અડદના ભાવ ઉંચા મથાળે જોવા મળી રહ્યાં છે. દસેક દિવસની મુવમેન્ટ પર નજર કરીએ તો ચેન્નઈ અડદના ભાવમાં રૂા.250 સુધીની તેજી જોવાતા રૂા.7300ના સ્તરે ભાવ પહોંચી ગયા હતાં. દેશી અડદની આવકનું પ્રમાણ હજુ ઓછું છે. ઉત્પાદન પણ અંદાજ કરતા ઘણુ ઓછું આવવાની ચિંતા છે. આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને તેલંગાણામાં પાક સરેરાશથી સામાન્ય છે. એવો અંદાજ મુકાઈ રહ્યો છે કે, આ ત્રણ રાજ્યમાં એકંદરે પાક ત્રણ લાખ ટનની આસપાસ રહેશે. જેમાં સંભવત: દસેક ટકાનું ઉપર નીચે વેરિયેશન આવી શકે છે. રાજકોટ યાર્ડમાં કપાસમાં 4800 ક્વિન્ટલની આવકે પ્રતિ મણના રૂા.1590 થી 1717, મગફળીમાં 3900 ક્વિન્ટલની આવકે રૂા.1160 થી 1490, જીરૂમાં 500 ક્વિન્ટલની આવકે રૂા.5200 થી 6091 અને ઘઉંમાં 675 કિવન્ટલની આવકે રૂા.508 થી 608ના ભાવ બોલાયા હતાં.

રિલેટેડ ન્યૂઝ