રાજકોટમાં રોગચાળો વકર્યો તાવની બિમારી ધો. 8ના વિદ્યાર્થીને ભરખી ગઈ

મૃતક મૂળ બોટાદના દેરાળા ગામનો વતની

રાજકોટ તા. 17
રાજકોટ સહિત રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળાએ માઝા મૂકી હોય તેમ સોરઠીયાવાડી પાસે ઝુપડપટ્ટીમાં રહેતા અને ધો.8માં અભ્યાસ કરતા 13 વર્ષના તરુણનું તાવની બીમારી સબબ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. વકરી રહેલા જીવલેણ રોગચાળાને પગલે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી ઝુપડપટ્ટીમાં રહેતા ભાવેશ દિપકભાઈ ફેસરિયા નામનો 13 વર્ષનો તરુણ પોતાના ઘરે હતો ત્યારે સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. તરુણને બેભાન હાલતમાં તાત્કાલિક માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તરુણની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની સાથે શોખની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી તરુણના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભાવેશ ફેસરિયા મૂળ બોટાદના દેરાળા ગામનો વતની હતો અને તેના પિતા ડેલામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાવેશ ફેસરીયા ચાર ભાઈ એક બહેનમાં મોટો અને શાળા નંબર 62 માં ધો.8માં અભ્યાસ કરતો હતો ભાવેશ ફેસરિયાને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો જેની ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. તરુણની આજે અચાનક તબિયત બગડતા બેભાન હાલતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ