મવડીમાં દુકાન-મકાનના માર્જિનમાં કરાયેલ બાંધકામ હટાવતું મનપા

170 ફૂટ જગ્યા ખુલ્લી કરાવાઈ

રાજકોટ તા. 17
મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કોમર્શિયલ બાંધકામોમાં ઝીરો લેવલ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા અને માર્જિન તેમજ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવા ડીમોલીશનની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં આજરોજ મવડી વિસ્તારમાં આદર્શ એવન્યુ અને પંચવટીનગરમાં આઠ દુકાનોની આગળ કરવામાં આવેલ દિવાલ તેમજ અન્ય બાંધકામો તેમજ એક મકાનમાં થયેલ નવ દબાણો દૂર કરી 170 ફુટ જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આજરોજ પ્રજાપતિની વાડી સામે અતિથી ચોક પંચવટીનગર શેરી નં.1માં રહેણાંકના મકાનની આગળના ભાગે ગેરકાયદેસર રીતે ચણવામાં આવેલ દિવાલનો ભાગ હટાવી 90 ફુટ જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. તેમજ મવડી વિસ્તારમાં એવન્યુની સામે 40 ફુટના સિમેન્ટ રોડ ઉપર આદર્શ સોસાયટીમાં સુરેશભાઈ ભટ્ટી દ્વારા બનાવવામાં આવેલ આઠ દુકાનોની આગળ પાર્કિંગની જગ્યામાં થયેલ ઓટલા તેમજ છાપરાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. બન્ને સ્થળે ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરી 170 ફુટ જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. આજે ડિમોલીશન દરમિયાન ટાઉન પ્લાનિંગ શાખા વેસ્ટ ઝોનના આસિસ્ટન્ટ પ્લાનર એમ.આર .મકવાણા તથા આર.એમ.વાછાણી અને ટેક્નિકલ સ્ટાફ, જગ્યા રોકાણ વિભાગ, રોશની વિભાગ તથા કાયદો વ્યવસ્થા જાળવવા માટે વિજીલન્સ અને પોલીસના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ