વિરપુરમાં રસ્તાઓ બન્યા મગરમચ્છની પીઠ સમાન

બિસ્માર રસ્તાથી વાહનચાલકો હેરાન-પરેશાન

વિરપુર,તા.24
યાત્રાધામ વીરપુર જલારામ ગામે હાઇવે તેમજ બસસ્ટેન્ડથી લઈને પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવાને લઈને રાહદારીઓને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
આ રસ્તો છેલ્લા ઘણા સમયથી અતિ ખાડા ખબળાવાળો થઈ ગયેલ હોવાથી વિરપુરના લોકો દ્વારા અનેક વખત રજુઆતો કરવા આવી છે છતાં પણ અહીંયા આજદિન સુધીમાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી. આ ખરાબ થઈ ચુકેલા રસ્તાને નવો બનાવવા લોક માંગ ઉઠી છે. દ2રોજ હજારો યાત્રાળુઓ પૂજ્ય જલારામ બાપાના દર્શને આવે છે ત્યારે અહીંયા વીરપુર ગામે બસ સ્ટેન્ડથી જલા બાપાની જગ્યા તેમજ વિરપુર ગામથી હાઇવે પર જવાનો પંચવટી હોટેલ રોડ પર સતત વાહનો તથા લોકોની આવન-જાવન રહે છે. વીરપુર બસ સ્ટેન્ડથી મંદિર સુધીનો આ રોડ પર બન્ને સાઈડ પેવર બ્લોક નાખેલ છે જે પેવર બ્લોક અનેક જગ્યાએથી ઉખડી ગયા અને અનેક જગ્યાએ મસ મોટા ખાડા હોવાથી આ રોડ અતિ બિસ્માર બની ગયો છે.આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોમાં દરેક સમયે ગંભીર અકસ્માત થવાની ભય સતાવે છે.
આ રસ્તા પર કેટલાય લોકો ખાડાઓને કારણે વાહન પરથી નીચે પટકાયા પણ છે જેથી વિરપુરના સ્થાનિક રહેવાસીઓએ તેમજ વિરપુર ગ્રામ પંચાયતના સદસ્યો હાઇવે પરથી તેમજ બસ સ્ટેન્ડથી પૂજ્ય જલારામ બાપાની જગ્યા બાજુ જવાનો રોડ નવો રોડ બનાવવા માંગ કરી છે.તો એવી જ રીતે વીરપુરનો રેલવે સ્ટેશન જવાનો મુખ્ય રોડ અતિ બિસમાર થઈ જવા પામ્યો છે. યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની ધર્મશાળા આવેલી છે. રોજના હજારો યાત્રાળુઓ આવતા હોય છે તેમાં ઘણા યાત્રાળુઓ રેલ્વેમાં મુસાફરી કરીને પણ આવતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રેલવે સ્ટેશનથી પૂજ્ય બાપાના મંદિર તરફ જતો રોડ અતિ બિસમાર હાલતમાં છે.
આ રોડ પર મસમોટા ખાડાઓ તેમજ અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા હોવાથી યાત્રાળુઓને તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.યાત્રાધામ વીરપુર જલારામમાં ખરાબ થઈ ચૂકેલા આ રોડની વાત કરવામાં આવે તો આ રોડ પર યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની ભોજન શાળા તેમજ યાત્રાળુઓને રાત્રી રોકાણ માટેનું અતિથિગૃહ સાથે ધર્મશાળા પણ આવેલ છે. વિરપુર આવતા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોએ આ ખરાબ થઈ ચુકેલા રોડ પર તંત્ર દ્વારા સત્વરે નવો રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે.
વીરપુરના આ બંને રોડના કામની મસ મોટા રકમની ગ્રાન્ટ પણ છેલ્લા ઘણા સમયથી મજૂર થઈ ગઈ હોવા છતાં હજુ પણ રોડની કામગીરી ક્યાં કારણોસર શરૂ કરવામાં નથી આવી તે પણ એક પ્રશ્ન છે! ત્યારે ચૂંટણી સમયે મોટા મોટા ટાયફા કરતા રાજકીય લોકો અહીંયાના ખરાબ રસ્તાને તાત્કાલિક ધોરણે નવો બનાવશે કે કેમ તેવી દર્શને આવતા શ્રદ્ધાળુઓ અને ગામ લોકોમાં ચર્ચાઓ જાગી છે.

રિલેટેડ ન્યૂઝ