રાજકોટ નાઈટ હાફ મેરેથોન સંદર્ભે આજે વાહન પ્રવેશ બંધી અંગે જાહેરનામું

રાત્રે 9થી 3 સુધી લાગુ પડશે પો. કમિશનર

રાજકોટ તા. 24
શહેરમાં આવતીકાલે રાત્રે રાજમાર્ગો પર નાઈટ હાફ મેરેથોન યોજાવાની છે ત્યારે મેરેથોન દરમિયાન ટ્રાફીક સમસ્યા ન ઉદભવે અને અકસ્માતના બનાવો ન બને તે માટે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડી રેસકોર્ષથી પુનિતનગર ટાંકા સુધીનો રસ્તા ઉપર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. મેરેથોનના સમય દરમિયાન રાત્રિના 9 થી 3 કલાક સુધી મેરેથોનના રૂટ ઉપર તમામ પ્રકારના વાહનોને અને પાર્કીંગ કરવા ઉપર મનાઈ કરી છે. રાજકોટ રનર્સ એસોસીએશન દ્વારા તા.25ના રાત્રિના 9 વાગ્યાથી શહેરમાં 10 કિ.મી.ની નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જે મેરેથોન રેસકોર્ષ રીંગ રોડથી શરૂ થઈ આમ્રપાલી ફાટકથી રૈયા રોડ, 150 ફુટ રીંગ રોડ ઉમીયા ચોકથી 150 ફુટ રીંગ રોડનો ડાબી સાઈડનો રોડ બાદ ઉમિયા ચોકથી બીરઆટીએસ રૂટમાંથી ગોંડલ ચોકડી બીઆરટીએસ સ્ઠોપથી યુ ટર્ન લઈ આજ રૂટ ઉપર આવનાર છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું બહાર પાડી જુની એન.સી. સી.ચોકથી આમ્રપાલી અંડરબ્રીજ સુધી, રૈયા રોડ, હનુમાન મઢી, રૈયા સર્કલથી 150 ફુટ રીંગ રોડ, રૈયા ટેલીફોન એકસચેન્જ, કેકેવી ઓવરબ્રીજ ઉપર, ઉમિયા ચોક સુધી ડાબી બાજુ જાવકનો રસ્તો ઉપર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.
આ ઉપરાંત નાણાવટી ચોકથી રૈયા રોડ, ઓવરબ્રીજ ઉપર ડાબી બાજુ વાહન જઈ શકશે નહીં, આમ્રપાલી અંડરબ્રીજથી કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત, બહુમાળી ભવન, ફનવર્લ્ડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ ગેટ, પોલીસ હેડ કવાર્ટર, જુની એનસીસી ચેક સુધી ડાબી બાજુ જાવકના રસ્તા ઉપર તમામ પ્રકારના વાહનો ચલાવવા અને પાર્કીંગ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તથા મેરેથોનના સમગ્ર રૂટ પર તમામ સકર્લો અને ડિવાઈડરો ક્રોસ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામું તા.25ના રાત્રિના 9 વાગ્યાથી તા.26ના રાત્રીના 3 વાગ્યા સુધી અમલમાં રહેશે. ત્યારબાદ તમામ રસ્તા ખુલ્લા રહેશે.

રિલેટેડ ન્યૂઝ