નાઈઝીરીયન શખ્સના એટીએસએ 12 દિવસના રીમાન્ડ મેળવ્યા
રાજકોટ તા.24
રાજકોટ-જામનગર હાઈવે પરથી ન્યારા જવાના કાચા રસ્તા પરથી અવાવરૂ ચેકડેમ પાસેથી ગુજરાત એટીએસની ટીમે રૂા.214 કરોડનું 31 કિલો ડ્રગ્સ ઝડપી પાડયુ હતું. આ કેસમાં દિલ્હીથી એક નાઈઝીરીયન શખ્સની ધરપકડ કરાઈ હતી. જેના રિમાન્ડ પૂર્ણ થતાં આજે એટીએસે કોર્ટ હવાલે કર્યો હતો. ફરધર રીમાન્ડ ન મંગાતા આ નાઈઝીરીયન શખ્સને જેલહવાલે કરાયો છે.
સમગ્ર કેસની વિગત મુજબ ગુજરાતમાં ડ્રગ્સની ઘુસણખોરી અટકાવવા એટીએસની જુદી જુદી ટીમો સક્રિય છે ત્યારે પડધરી નજીક શ્રીજી ગૌશાળા પાસે ખંઢેરી સ્ટેડીયમની સામે આવેલા ન્યારા જવાનાં કાચા રસ્તે એક ચેકડેમમાંથી રેઢુ પડેલ 31 કિલો ડ્રગ્સ બાતમીનાં આધારે એટીએસે ઝડપી લઈ સફળ ઓપરેશન બહાર પાડયુ હતું. આ ડ્રગ્સના જથ્થાની ઉપર દિલ્હીમાં રહેતાં એક નાઈઝીરીયન શખ્સનુ સરનામું લખેલુ હોય દિલ્હી પોલીસનો સંપર્ક કરી ડમી ડ્રગ્સનું પેકેટ આ સરનામે મોકલતાં ત્યાંથી નાઈઝીરીયન આરોપી એકવાનીફ ઓકાફોરો મર્સીને આ પાર્સલ સ્વીકારતા ઝડપી લેવાયો હતો. ધરપકડ બાદ આરોપીને રાજકોટની એનડીપીએસ કોર્ટમાં રજુ કરાતા અદાલતે 12 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.આજે આ રીમાન્ડ પૂર્ણ થતાં એટીએસની ટીમ આરોપીને અમદાવાદથી રાજકોટ લાવી હતી અને ફરધર રીમાન્ડ ન માંગતા કોર્ટ હવાલે કરાયો હતો ત્યાંથી અદાલતે તેને જયુડીશ્યલ કસ્ટડીમાં લીધો છે.એટીએસે આ 12 દિવસની તપાસ દરમ્યાન આરોપી મર્સીના મોબાઈલમાથી જરૂરી પુરાવા એકત્રીત કર્યા છે. જેમાં કોલ ડીટેલ્સ કઢાવતાં ડ્રગ્સ પેડલરોની અને ડીલરોની લીંકો મળી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જયારે ડ્રગ્સ પકડાયું તે સમયે આ જથ્થો પાકિસ્તાનથી હાજી અનવર નામનાં ડ્રગ્સ માફીયાએ મોકલ્યો હોવાનું અને ગુજરાતના દરીયા કિનારે ઉતાર્યો હોવાનું ખુલ્યુ હતું આ જથ્થો જાફર નામનાં શખ્સે દરીયા કિનારેથી ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ નજીક અવાવરૂ જગ્યામાં સીફટ કર્યો હતો અને બબલુ નામનો દિલ્હીનો શખ્સ આ જથ્થો લેવા આવવાનો હતો. હાલ એટીએસ બબલુ અને જાફરની શોધખોળ કરી રહી છે.