મોરારિબાપુના હસ્તે પત્રકાર કૌશિક મહેતાને નચિકેતા એવોર્ડ અર્પણ થશે

ઉત્કૃષ્ટ કામગીરી બદલ પત્રકારને રૂ.1.25 લાખ પુરસ્કાર રકમ અને એવોર્ડ અપાશે

રાજકોટ તા.23
જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત રહેનારા શતાયુ પત્રકાર, લેખક અને ચિંતક નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં પ્રતિવર્ષ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રતિવર્ષ એનાયત થતા નચિકેત એવોર્ડ આ વર્ષે રાજકોટ સ્થિત વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાને એનાયત થશે. આગામી તારીખ 28ના, રવિવારે રોજ સાંજે 5 કલાકે કોટેચા ચોક, કાલાવડ રોડ સ્થિત સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ઓડિટોરિયમ ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં મોરારિબાપુનાં હસ્તે નચિકેત એવોર્ડ કૌશિક મહેતાને એનાયત થશે.
વર્ષ 2019મા રાજકોટમાં નગીનદાસ સંઘવીનું શતાયુ સન્માન યોજાયું હતું. એ વખતે એમને અર્પણ થયેલી ધનરાશી એમણે સ્વીકારી નહોતી એટલે એમાંથી પ્રતિવર્ષ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર પત્રકારોને પોખવાનો નિર્ણય થયો હતો અને એ રીતે નચિકેત એવોર્ડનો પ્રારંભ થયો. આ એવોર્ડ અંતર્ગત રૂપિયા 1,25,000ની પુરષ્કાર રાશી અને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આજ સુધીમાં આ એવોર્ડ ગુણવંત શાહ, કુંદન વ્યાસ, હિરેન મહેતા, વિકાસ ઉપાધ્યાય, ભાર્ગવ પરીખ, ચિરંતના ભટ્ટ, ભવેન કચ્છીને એનાયત થયા છે અને હવે વરિષ્ઠ પત્રકાર અને ફૂલછાબનાં પૂર્વ તંત્રી કૌશિક મહેતાને આ એવોર્ડ એનાયત થવા જઈ રહ્યો છે.
રાજકોટ સ્થિત કૌશિક મહેતા ફૂલછાબમાં તંત્રી રહી ચૂક્યા છે. નુતન સૌરાષ્ટ્ર, અકિલા, સંદેશ અને ચિત્રલેખામાં પત્રકાર તરીકે કામ કર્યું છે. ફૂલછાબમાં 14 વર્ષ તંત્રીપદે રહ્યા. વિવિધ વિષયો પર એમની કલમ ચાલતી રહી છે. 22થી વધુ પુસ્તકો પણ આપ્યા છે. તા. 28ના રોજ યોજાનારા કાર્યક્રમમાં જાણીતા પત્રકાર અને લેખક કૃષ્ણકાંત ઉનડકટ નગીનદાસ સંઘવીનું સ્મરણ કરશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગીનદાસ સંઘવી સ્મૃતિ સમિતિના ભરત ઘેલાણી અને જયંતીભાઈ ચાંદ્રા દ્વારા રસ ધરાવનારા સૌ કોઈને નિમંત્રણ છે.

રિલેટેડ ન્યૂઝ