યુનિવર્સિટી પોલીસે બંને પર ગુનો નોંધ્યો; તપાસ જારી
અમુક સંતાનોને પોતાના વયોવૃદ્ધ માવતરને સાચવવા તેમની સારસંભાળ લેવાનું ગમતું હોતું નથી. ઘણીવાર વૃદ્ધોને તેમના સંતાનો મારકૂટ પણ કરી લેતાં હોય છે. રૈયાધાર ઇન્દીરાનગરમાં રહેતા 65 વર્ષના જીવાભાઇ પોલાભાઇ રાઠોડને તેના જ સગા પુત્ર, પૌત્ર અને પૌત્રની પત્નીએ મળી માર મારતાં સારવાર માટે દાખલ થવું પડ્યું છે.
યુનિવર્સિટી પોલીસે જીવભાઈની ફરિયાદ પરથી તેના પુત્ર કિશન જીવાભાઇ રાઠોડ, પૌત્ર પ્રદીપ કિશન રાઠોડ અને પૌત્રવધુ લક્ષ્મીબેન પ્રદીપ રાઠોડ વિરૂધ્ધ આઇપીસી કલમ 325, 323, 504, 114 તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ગુનો દાખલ કર્યો છે. જીવાભાઈ વયોવૃધ્ધ હોઇ પોતાની સાર સંભાળ માટે પુત્ર કિશનને કહેતા તેણે ઉશ્કેરાઇ ગાળો આપી હતી અને પૌત્ર પ્રદીપે તથા તેની પત્નીએ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ પુત્રએ પથ્થર વડે પિતાને જમણા પગ પર ઘા મારી ફ્રેક્ચર જેવી ઇજા કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.એએસઆઈ એમ.આર. ઝાલાએ કાર્યવાહી કરી હતી.