રાજકોટમાં પરિણીતા ઉપર પતિ અને સસરાનો હુમલો

જુની અદાવતમાં યુવકને બે શખ્સોએ માર માર્યાની ફરિયાદ
રાજકોટમાં કોઠારીયા કોલોનીમાં રહેતી પરિણીતાએ પુત્રને જમવા બાબતે ઠપકો આપતા પતિ અને સસરાએ પરિણીતાને માર માર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા કોલોની ક્વાર્ટરમાં રહેતી પૂજાબા ધનરાજસિંહ જાડેજા નામની 29 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે તેના પતિ ધનરાજસિંહ ભરતસિંહ જાડેજા અને ભરતસિંહ નટુભા જાડેજાએ ઝઘડો કરી માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી આ અંગે ઇજાગ્રસ્ત પૂજાબેન જાડેજાએ પોલીસ મથકમાં હુમલાખોર પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણી પોતાના ત્રણ વર્ષના પુત્ર કર્તવ્યને જમવા બાબતે ઠપકો આપતી હતી જે અંગે પતિ અને સસરાને નહીં ગમતા હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોઠારીયા રોડ ઉપર આવેલી ન્યુ સાગર સોસાયટીમાં રહેતા ધ્રુવ જેઠસુરભાઈ નામના યુવાન સાથે વિશ્વજીત પ્રભાતભાઈ જળુ અને એક અજાણ્યા શખ્સે ઝઘડો કરી માર માર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત ધ્રુવની માતા નીરૂબેન જેઠસુરભાઈ હુંબલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને નીરૂબેનને ફરિયાદમાં જણાવ્યું હતું કે હુમલાખોર વિશ્વજીતની બહેને ધ્રુવ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ