રાજકોટમાં જુગારમાં 15 લાખ હારી ગયા બાદ કારીગર પાસે ઠગાઈની અરજી કરાવનાર ઝબ્બે

કારખાનેદાર ઓનલાઈન જુગારમાં હારી જતા તરકટ રચ્યું પણ કારી ન ફાવી સાઈબર ક્રાઈમે કરી ધરપકડ

સાયબર છેતરપીંડીના બનાવો વધી રહ્યા છે ત્યારે અમુક લોકો અન્ય રીતે પૈસા ગુમાવ્યા બાદ સાયબર છેતરપીંડી થયાની ફરીયાદો કરતા હોવાના બનાવો પણ સામે આવ્યા છે. આવા જ એક બનાવમાં શહેરમાં રહેતા કારખાનેદારે ઓનલાઇન જુગારમાં 15 લાખ હારી જતા તેણે કારીગર પાસે સાયબર છેતરપીંડીની અરજી કરાવી હતી. જો કે તેની કારી ફાવી ન હતી અને પોલીસ તપાસમાં ભાંડો ફુટી જતાં પોલીસે કારખાનેદાર અને તેના કારીગર સામે ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાનો અને કારખાનેદાર વિરૂધ્ધ જુગારનો
અલગથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ નાણાવટી ચોક પાસે નંદનવન સોસાયટીમાં રહેતા વિજય તેજાભાઇ મકવાણા (ઉ.28)એ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં તેની સાથે સાયબર છેતરપીંડી થયાની અરજી કરી હતી. જેથી સાયબર પોલીસે અરજીના આધરે તપાસ હાથ ધરી હતી. જો કે તપાસ દરમિયાન અરજદારે ગુમાવેલા નાણા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા તેમાંથી પરત અરજદારના એકાઉન્ટમાં પણ નાણા આવેલા હોવાની અને અરજદારે તે નાણા ઉપાડેલા હોવાની વિગતો સામે આવતા પોલીસને શંકા ગઇ હતી. જેથી પોલીસે અરજદાર વિજય મકવાણાને નિવેદન માટે બોલાવતા તેની પુછપરછ કરતાં તે જે કારખાનામાન કામ કરતો હોય તે કારખાનેદાર મુકેશ રણછોડ ખંભાળીયા (રે.કોઠારીયા ગામ ન્યુ રામેશ્વર પાર્ક સોસાયટી) ઓનલાઇન આઇડીમાં જુગાર રમતો હોય જેમાં 15 લાખ હારી જતા તેના કહેવાથી સાયબર છેતરપીંડીની ખોટી અરજી કરી હોવાનું જણાવ્યું હતું. જેથી મુકેશ ખંભાળીયા વિશે પુછતા તે તેની સાથે જ સાયબર પોલીસ સ્ટેશને આવ્યો હોવાનું અને બહાર બેઠો હોવાનું જણાવતા પોલીસે તેને અંદર લાવી પુછપરછ કરતાં તેણે ઓનલાઇન જુગારમાં 15 લાખ હારી
જતાં ખોટી અરજી કરાવ્યાની કબુલાત આપી હતી. પોલીસે તેનો મોબાઇલ તપાસતા તેમાં અકકઙઅગઊક777.ઈઘખ વેબસાઇટમાં હાર-જીતના સોદા થયાનું મળી આવ્યું હતું. જેથી સાયબર ક્રાઇમ પોલીસ મથકના એએસઆઇ વિવેક કુછડીયાએ કારખાનેદાર મુકેશ ખંભાળીયા વિરૂધ્ધ જુગારધારા એકટ હેઠળ ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. દિપક પંડીતે ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ કે.જે. રાણા ચલાવી રહ્યા છે. જયારે કારખાનેદાર મુકેશ ખંભાળીયા અને કારીગર વિજય મકવાણા વિરૂધ્ધ રાજય સેવકને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાનો અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ