700 જેટલા લોકો દ્વારા અંગદાનનો કરાયો સંકલ્પ

મનપા દ્વારા માનવ સેવાના હિતમાં યોજાયેલ અંગદાન સંકલ્પ કાર્યક્રમમાં જાગૃત લોકોનો સંકલ્પ: મનપાને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરીકોમાં અંગદાન અંગે જન જાગૃતિ આવે અને અંગદાન કરવાનો સંકલ્પ લે તે માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરવા આયુષ્માન ભવ અંતર્ગત અંગદાન સંકલ્પ કાર્યક્રમનું આજરોજ તા.26/09/2023ના રોજ અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ, પેડક રોડ ખાતે સવારે 10:00 કલાકે રાખવામાં આવેલ. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય રાજકોટ વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ તથા મંચ પરના મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવેલ.તા.23/09/2023 થી તા.26/09/2023 સુધીમાં 700 જેટલા લોકોએ અંગદાન અંગે સંકલ્પ લઈ ઉમદા કાર્ય કરેલ છે.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, નાયબ મ્યુનિ.કમિશનર અનિલ ધામેલીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, વગેરે ઉપસ્થિત રહેશે.
આ અવસરે રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુજી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં આયુષ્યમાન ભવ: અભિયાનનો તાજેતરમાં શુભારંભ કરાવ્યો હતો. તે અભિનંદનને પાત્ર છે. આરોગ્ય તંત્ર અને પ્રાઈવેટ તંત્ર સતત પ્રયત્નશીલ છે. ગત સાલ 2022 માં કુલ 873 લોકોએ ઓર્ગન ડોનેટ કર્યા હતા. અને અંગદાનનો સંકલ્પ કરનારા લોકોની સંખ્યા 9000 છે. માનવા સેવાના લક્ષ્ય સાથેના આ અભિયાનમાં વધુ ને વધુ લોકોનો પ્રતિસાદ મળશે તેવી આશા છે.
આ પ્રસંગે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ તેમના વિડીયો સંદેશમાં અંગદાનને મહાદાન ગણાવતા કહ્યું છે કે, મૃત્યુ પછી શરીર પંચમહાભૂતમાં વિલીન થઇ જાય છે પણ અંગદાન સદગત વ્યક્તિના ઓર્ગનની સહાયતથી ઘણા લોકોને નવ જીવન મળે છે. આંખના દાનથી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સૃષ્ટિને ફરીથી દેખાતા થઇ જાય છે. હૃદયના દાનથી અન્ય વ્યક્તિનું આયુષ્ય વધી જાય છે. તાજેતરમાં જ 23 વર્ષના યુવકના મૃત્યુ બાદ હૃદયનું દાન કરાયું હતુ.
ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના વિડીયો સંદેશમાં એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ અંગદાન સંકલ્પ કાર્યક્રમ થકી માનવ સેવાના ક્ષેત્રમાં ખુબ ઉમદા કાર્ય હાથ ધર્યું છે. અંગદાન એ તો મૃત્યુ પામેલા વ્યક્તિને ફરી જીવિત કરતું કાર્ય છે.

રિલેટેડ ન્યૂઝ