ચૌધરી ગ્રાઉન્ડ, શાસ્ત્રી મેદાન અને ધર્મેન્દ્ર કોલેજ ગ્રાઉન્ડના ભાડામાં વધારો

દર વર્ષે 10 ટકાના ભાડા વધારાનો રાજય સરકારનો પરિપત્ર : ગ્રાઉન્ડ ભાડે મેળવવા આયોજકોમાં પડાપડી

નવરાત્રિ નજીક આવતા જ આયોજકો ગ્રાઉન્ડ લેવા માટે પડાપડી કરી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં આવેલા ત્રણ સરકારી ગ્રાઉન્ડમાં દર વર્ષની માફક આ વર્ષે પણ 10 ટકા ભાડા વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. શાસ્ત્રીમેદાન, ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ અને ધર્મેન્દ્ર કોલેજ ગ્રાઉન્ડમાં દર વર્ષની માફક આ વર્ષે પણ 10 ટકા ભાડા વધારો કરવામાં આવ્યો છે. નવરાત્રિને હવે 15 દિવસની જ વાર છે ત્યારે રાજકોટ શહેરમાં અર્વાચિન દાંડિયારાસનું આયોજન કરતાં આયોજકોમાં ગ્રાઉન્ડ ભાડે લેવા માટે પડાપડી થઈ રહી છે. રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી કલેકટર હસ્તકના શાસ્ત્રીમેદાન અને ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ તેમજ શિક્ષણ વિભાગ હસ્તકના ધર્મેન્દ્ર કોલેજ ગ્રાઉન્ડમાં 10 ટકાનો ભાડા વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ ભાડા વધારો 1 એપ્રિલથી જ અમલી બનાવી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સરકારી ગ્રાઉન્ડમાં 10 ટકા ભાડા વધારો કરતો પરિપત્ર બહાર પાડ્યો છે. શાસ્ત્રીમેદાનમાં ગયા વર્ષે 2000 મીટરથી વધુ ગ્રાઉન્ડના ફિક્સ ભાડુ રૂા.14,268 નકકી કરાયું હતું જેમાં 10 ટકા ભાડા વધારા સાથે આ વર્ષે 2000 મીટરથી વધુ મોટુ ગ્રાઉન્ડ ભાડે મેળવવા માગતા આયોજકો પાસેથી રૂા.15,695 ભાડુ વસુલવામાં આવશે. જોકે, શાસ્ત્રીમેદાનમાં 2000થી ગમે તેટલુ મોટુ મેદાન ભાડે રાખો તો તેનું ફિક્સ ભાડુ રૂા.15,695 નકકી કરાયું છે જ્યારે 1થી 2 હજાર મિટરની વચ્ચે મેદાન ભાડે રાખવું હોય તો રૂા.7,849 અને 1 હજાર મીટરથી નીચે મેદાન ભાડે જોતુ હોય તો રૂા.3,138 નક્કી કરાયા છે. આ જ રીતે ચૌધરી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડનું ભાડુ પણ નકકી કરાયું છે જ્યારે ધર્મેન્દ્ર કોલેજમાં આવેલ ગ્રાઉન્ડનું ભાડુ રાજ્ય સરકાર નકકી કરે છે પરંતુ, આ ભાડુ શિક્ષણ વિભાગના ફાળે જાય છે.

રિલેટેડ ન્યૂઝ