રાજકોટ એમ.એ.સી.પી. બાર એસો.ની ચૂંટણી જાહેર: 19મી ફેબ્રુઆરીએ મતદાન

પ્રમુખ સહિતના 12 હોદા ઉપર કાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ

રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસોસીએશનની ચૂંટણી યોજાયા બાદ રાજકોટ એમ.એ.સી.પી. બાર એસોસીએશનના હોદ્દેદારોની ચૂંટણીનું બ્યુન્ગલ ફૂંકાયું છે. આગામી તારીખ 19મી ફેબ્રુઆરી 2024ના રોજ યોજવા માટે ચૂંટણી અધિકારી દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
રાજકોટ એમ.એ.સી.પી. બાર એસોસિએશન દ્વારા 2024 ચૂંટણી માટે નિમવામાં આવેલા ચૂંટણી કમિશનર સંજયભાઈ જે. વ્યાસ દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ
એમ.એ.સી.પી. બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ટ્રેઝરર અને 7 કારોબારી સભ્યો નક્કી કરવા યોજાનારી ચૂંટણીનું મતદાન તારીખ 19 મી ફેબ્રુઆરી 2024 ના રોજ થનાર છે. ત્યારે ચૂંટણીની કાર્યવાહીમાં ઉમેદવારીપત્ર ભરવાની તારીખ 13/2/ 2024 થી 14/2/ 2024 બપોરના એક વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઉમેદવારીપત્ર તારીખ 15/2/ 2024ના બપોરના બે વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે. તેમજ ઉમેદવારોની આખરી યાદી તારીખ 15/2/ 2024ના રોજ બપોરે ત્રણ વાગ્યે પ્રસિદ્ધ થશે.
જેમાં જાહેર થયેલી ઉમેદવારોની અંતિમ યાદી મુજબ પ્રમુખ સહિતના 5 હોદ્દેદારો તેમજ 7 કારોબારી સભ્યોમાં જરૂર જણાયે બેઠકોની ચૂંટણી મતદાન દ્વારા કરવામાં આવશે. જેમાં મતદાનની તારીખ 19/2/2024 સોમવાર અને સમય સવારે 11 થી બપોરે બે વાગ્યા સુધીનો રખાયો છે મતદાનનું સ્થળ નવા કોર્ટ બિલ્ડીંગના પહેલો માળ રાજકોટ એમ.એ.સી.પી. બાર એસોસિયેશન રૂમ ખાતે નક્કી કરવામાં આવ્યું છે. મતદાન બાદ મતગણતરી યોજાશે અને ત્યારબાદ પરિણામો જાહેર થશે તેમ ચૂંટણી અધિકારીઓની યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ