રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકને ચુકવણી માટે આપેલો ચેક રિટર્ન થતા લોનધારક મહિલાને છ માસની જેલ

ચેકની રકમ બેંકને વળતર પેટે બે માસમાં ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ

રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક લી.માંથી મેળવેલ લોન ચુકવવા માટે આપેલ ચેક પરત ફરવાના કેસમાં અદાલતે મહિલા ડિફોલ્ટરને એક વર્ષની જેલની સજા અને ચેકની રકમ બેંકને વળતર પેટે બે માસમાં ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ શહેરના કલ્યાણનગર, સહકારનગર મેઈન રોડ ઉપર રહેતા અર્ચનાબા ગજેન્દ્રસિંહ જાડેજાએ શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. સહકારનગર શાખામાંથી 10 લાખની લોન મેળવી હતી. આ લોન મેળવેલ ત્યારે બેંક જોગ લોન દસ્તાવેજો અને લોનની રકમ ભરપાઈ કરવા અંગે રૂ.2.02 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક બેંકે ખાતામાં ભરતા તે ચેક લખનારના ખાતામાં અપુરતા નાણાને કારણે પરત ફર્યો હતો. આથી કાનૂની નોટીસ આપ્યા બાદ અર્ચનાબા જાડેજા સામે બેન્કના બ્રાન્ચ મેનેજર રાવત નારણભાઈ ગેરૈયાએ રચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. આ ફોજદારી ફરિયાદ ચાલવા ઉપર આવતા બેન્ક તરફથી રજુ કરવામાં આવેલ પુરાવા તથા બેન્કના એડવોકેટ નિલેશ જી. પટેલની દલીલો તથા ફરીયાદ પક્ષે રજુ કરવામાં આવેલ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ કોર્ટે અર્ચનાબા જાડેજા સામેનો કેસ સાબિત થયેલ છે તેવું માની એક વર્ષની સજાનો હુકમ ફરમાવેલ છે તેમજ ફરીયાદીને રૂા.1.91 લાખનું વળતર બે માસમાં ચુકવવા અને ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં ફરિયાદી બેંક વતી એડવોકેટ નીલેશ જી. પટેલ, નિકુંજબેન સાકરીયા, મુકેશ જરીયા, તથા સહાયક તરીકે રેખાબેન ઓડેદરા રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ