રાજકોટમાં પોલીસ પુત્ર ઉપર ભાઇના સસરા સહિતનાનો હુમલો

મારમારીમાં ઘવાયેલા બે યુવકને સારવારમાં ખસેડાયા: સામ સામી ફરિયાદ
ભાભીની મામાની દીકરીએ તેની વાગ્દત્તાને ફોન કરી ‘આ છોકરો સારો નથી, સગાઇ તોડી નાંખો’ કહેતા ડખ્ખો થયો’તો

શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં પોલીસ પુત્ર ઉપર ભાઇના સસરા સહિતનાઓએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે મારામારીમાં સામાપક્ષે પણ યુવાન ઘવાતા બંન્ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પોલીસે સામ-સામી ફરિયાદ પરથી પાંચ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાંં રહેતા પોલીસ પુત્ર ગૌરાંગગીરી પ્રવિણગીરી ગોસ્વામી (ઉ.વ.24) નામના યુવાને પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના ભાઇના સસરા યોગેન્દ્રગીરી મહેશગીરી ગોસ્વામી, તેના ભાઇ તરૂણગીરી મેહશગીરી, પુત્ર નૈમિષગીરી યોગેન્દ્રગીરી (રે.મોરબી) તથા દિવ્યેશભારથી જીતુભારથી ગોસાઇ (રે.વાવડી રાજકોટ)ના નામ આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેની સગાઇ પાયલ સાથે થઇ હોય અને ભાભી વૈષ્ણવીની મામની દિકરી શિવાંગીએ પાયલને ફોન કરી ‘આ છોકરો સારો નથી, તુ તેની સાથે સગાઇ તોડી નાંખ’ તેમ કહેતા પાયલે ફરિયાદોને વાત કરતા ગૌરવગીરીએ પાલને કહેલુ કે તુ ફોન કરી કહી દેજે કે તમે બંને બહેનો સારી નથી ત્યાર બાદ ભાઇના સસરાએ ફોન કરી સમાધાન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ભેગા થયા બાદ તુ મારી દિકરીની શુ વાતો ઉડાવે છે તેમ કહી ઝઘડો કરી લાકડાના ધોકા વડે હુમલો કરી માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યારે સામાપક્ષે મોરબી રહેતા નૈમિષગીરી યોગેન્દ્રગીરી ગોસ્વામી (ઉ.વ.23)એ નોંધાવેલી વળતી ફરિયાદમાં આરોપી ગૌરવગીરી પ્રવિણગીરી ગોસ્વામીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી તેની બહેન અને બનેવીને અવાર-નવાર ફોન કરી હેરાન કરતો હોય જેથી સમાધાન કરવા ભેગા થતાં જાનથી મારી નાખવાની ધમકી આપી છરી વડે હુમલો કરતા તેના વાસાના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસે બંન્ને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ