રાજકોટમાં નવનિર્મિત બિલ્ડિંગના ત્રીજા માળેથી અકસ્માતે પટકાયેલા શ્રમિક યુવકનું મોત

બે માસ પૂર્વે અકસ્માતમાં ઘવાયેલા પથારીવશ આધેડે દમ તોડ્યો

શહેરમાં દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર પુનિતના ટાંકા પાસે આવેલા ખોડીયારનગરમાં નવનિર્મિત બિલ્ડિંગના ત્રીજા માળેથી અકસ્માતે પટકાયેલા શ્રમિક યુવકનું મોત નીપજ્યું હતું યુવકના મોતથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ ઉપર પુનિતના ટાંકા પાસે આવેલા ખોડીયારનગરમાં રહેતા રાકેશ બચુભાઈ ભાભોર નામનો 35 વર્ષનો યુવાન ગઈકાલે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ખોડીયારનગરમાં સરકારી સ્કૂલ પાસે નવનિર્માણ પામી રહેલા પ્રાઈમ બિલ્ડિંગમાં હતો ત્યારે અકસ્માતે ત્રીજા માળેથી સીડી પરથી નીચે પટકાયો હતો. યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછ રાકેશ ભાંભોરને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે અને ગઈકાલે રજા હતી પરંતુ તે બિલ્ડીંગમાં આંટો મારવા જતા ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં નાના મવા રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતા જેન્તીભાઈ મોહનભાઈ વઘાસિયા નામના 55 વર્ષના આધેડ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા આધેડને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જય ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં બે માસ પૂર્વે જેન્તીભાઈ વઘાસિયા પોતાનું બાઈક લઈને નાનામવા રોડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે બાઈક અકસ્માત સર્જાયો હતો. બે માસથી પથારીવસ જયંતીભાઈ વઘાસિયાનુ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ