શહેરનું નામ થાય તેવું કામ ઝુંબેશ માટે મ્યુનિ.કમિશનરની ખાસ અપીલ

હોકર્સ ઝોન દીઠ રચાયેલી સ્વચ્છતા સમિતિનાં સભ્યો સાથે કમિશનરની બેઠક

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના વિવિધ સ્થળે કાર્યરત હોકર્સ ઝોનમાં સ્વચ્છતા જાળવવા માટે હોકર્સ ઝોન દીઠ સ્વચ્છતા સમિતિની રચના કરવામાં આવેલ. જેમાં હોકર્સ ઝોનમાંથી 5 સભ્યની નિયુક્તિ કરવામાં આવેલ છે. આ સ્વચ્છતા સમિતિઓના સભ્યોની એક બેઠક આજે તા.22-03-2024ના રોજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, એન્ક્રોચમેન્ટ ઓફિસર પરબત બારૈયા, ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, દિગ્વિજયસિંહ તુવર અને પ્રજેશ સોલંકી તેમજ સ્વચ્છતા સમિતિઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે સ્વચ્છતા સમિતિઓના સભ્યોને સંબોધતા જણાવ્યું હતું કે, રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું કેન્દ્ર છે, આપણા રાજકોટ શહેર માટે આગવી ઓળખ પ્રસ્થાપિત કરવામાં સૌએ સાથે મળીને જવાબદારી નિભાવવાની રહે છે. જેમાં સ્વચ્છ રાજકોટના સંકલ્પને સાકાર કરવા અને સ્વચ્છતાની બાબતને આપણી રોજબરોજની જિંદગીમાં સામેલ કરવા માટે તમામ નાગરિકોએ સામાજિક જવાબદારી વહન કરવાની થાય છે. તમામ લોકો પોતાના ઘર અને વ્યવસાયના સ્થળની આજુબાજુના વિસ્તારની સ્વચ્છતા અને સફાઈની કાળજી રાખે તો આપણું શહેર આપોઆપ સ્વચ્છ અને સુંદર બનશે. બહારગામથી દરરોજ હજારો લોકો રાજકોટમાં આવા-જા કરે છે. તેઓ પણ આપણા રાજકોટની સુંદર શહેર તરીકેની ઓળખ લઈને જાય તેવા આપણા પ્રયાસો છે. જેમાં તમામ નાગરિકોનો સહયોગ અપેક્ષિત છે.
મ્યુનિસિપલ કમિશનરએ વિશેષમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના મહત્વપૂર્ણ પર્યટન સ્થળો તેમજ ધાર્મિક સ્થળોએ આવવા-જવા માટે રાજકોટ મુખ્ય કેન્દ્ર છે ત્યારે રાજકોટની સ્વચ્છતા જાળવવા માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ ક્ષેત્ર અને સમુદાયને સાથે રાખીને પ્રયત્નો કરી રહેલ છે. ભારતના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરની જેમ જ રાજકોટ પણ સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં રહે અને બહારના લોકોમાં પણ આપણા શહેરની સારી છાપ જળવાઈ રહે તે માટે સૌએ સાથે મળીને સતત પ્રયાસો કરતા રહેવા પડશે. ઇન્દોરમાં સ્વચ્છતા કેવી છે તે જોવા માટે બહારના લોકો ત્યાં જાય છે. ઇન્દોરના લોકોમાં જાહેર સ્વચ્છતા અંગે ખુબ સારી જાગૃતિ કેળવાયેલી છે તેવી જ જાગૃતિ અને સતર્કતા આપણા રાજકોટમાં પણ કેળવવા માટે અવિરત પ્રયત્ન ચાલુ છે. મ્યુનિસિપલ કમિશનરએ એમ પણ ટકોર કરી હતી કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરાના માધ્યમથી નિરીક્ષણ કરવામાં આવે છે અને જાહેરમાં ગંદકી કરતા લોકો સામે પગલાં પણ લેવામાં આવે છે. એક રીતે જોઈએ તો સ્વચ્છતા જાળવવી એ આમજનતા માટે જરાય અઘરી બાબત નથી. લોકોએ માત્ર એટલું જ કરવાનું છે કે, જાહેરમાં કચરો ફેંકવાને બદલે નજીકમાં રહેલી ડસ્ટબીનમાં કચરો ફેંકે. ઘરે ઘરેથી કચરો એકત્ર કરવા અને જાહેર સફાઈની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકા નિભાવે છે ત્યારે લોકોના સહકારથી વધુ સારું પરિણામ મળી શકે છે. જાહેર સ્વચ્છતાની બાબતમાં હોકર્સ ઝોન અને તેની સ્વચ્છતા સમિતિ એક આગવી જવાબદારી નિભાવી શકે છે. હોકર્સ ઝોનની સ્વચ્છતા જાળવવામાં સમજાવવા અને જાહેરમાં માર્ગો અને સ્થળોએ પણ સ્વચ્છતા જાળવવામાં તેમનો સહયોગ મેળવવામાં રાજકોટ મહાનગરપાલિકા અને હોકર્સ ઝોન સ્વચ્છતા સમિતિ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
એમ કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ છે. મહાત્મા ગાંધીજીએ પણ સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે પાવન ભૂમિ પર આજે આપણે એકત્ર થયા છીએ ત્યારે આપણે સૌ સ્વચ્છતા જાળવવા સંકલ્પ કરીએ. હોકર્સ ઝોનમાં જરૂૂરી તમામ સુવિધાઓ રાજકોટ મહાનગરપાલિકા પુરી પાડશે.

રિલેટેડ ન્યૂઝ