રૂપાલાના નિવેદનથી આચાર સંહિતાનો ભંગ થાય છે કે નહીં?: તંત્ર દ્વારા રિપોર્ટ તૈયાર

સમગ્ર રિપોર્ટ કલેકટર રાજય ચૂંટણી પંચને સોપશે: જો આચાર સંહિતા ભંગ થશે તો કડક પગલા લેવાઈ શકે

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ગત તા.23 માર્ચે ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદી ટિપ્પણી બાબતે આચાર સંહિતા ભંગની થયેલ ફરિયાદમાં આજે રાજકોટ કલેકટર દ્વારા રાજ્યના મુખ્ય
ચૂંટણી કમિશ્નરને રિપોર્ટ સોંપવામાં આવનાર છે. ત્યારે આ કેસમાં કેવા પગલાં ભરવામાં આવે છે તે તરફ સૌની નજર મંડાયેલ છે. ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂૂપાલાના નિવેદન અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ થતાં ચૂંટણી પંચે રાજકોટ કલેક્ટરને તપાસના આદેશ કર્યા હતા. જેના પરિણામે કલેક્ટર પ્રભવ જોષીએ આચારસંહિતાના નોડલ ઓફિસર સ્વપ્નિલ ખરેને તપાસ સોંપી હતી. તેમજ રાજકોટ સિટી પ્રાંત-2 નીશા ચૌધરીના વિસ્તારમાં આ ઘટના બની હોય તેમને પણ તપાસ સોંપાઇ હતી. બંને અધિકારીઓએ સતત 4 દિવસ તપાસ કરી હતી. પરસોતમ રૂૂપાલા વીડિયોમાં જે બોલ્યા હતા, તે સંપૂર્ણ વિડિયો સહિતની બાબતો ચકાસવામાં આવી છે. આ તમામ તપાસ પૂર્ણ કરી લેવાઇ છે અને રિપોર્ટ પણ તૈયાર થઈ ચૂક્યો છે. રિપોર્ટમાં શું છે તે કોઇ વિગતો બહાર આવી નથી. પરંતુ કલેક્ટર દ્વારા આ રિપોર્ટનો સંપૂર્ણ અભ્યાસ કરાયા બાદ પોતાના નોટીંગ સાથે પંચને રિપોર્ટ મોકલી દેવાશે. જે બાદ આ રિપોર્ટ રાજયના મુખ્ય
ચૂંટણી અધિકારી પી. ભારતીને મોકલવામાં આવશે અને પી. ભારતી દ્વારા આ સમગ્ર અહેવાલ ચૂંટણી પંચને મોકલી દેવાશે. તપાસનો રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે, ત્યારે આ રિપોર્ટ બાબતે રાજકોટ કલેક્ટર પ્રભવ જોષી આ સમગ્ર વિવાદી બાબતની જણાવ્યું હતું કે, આ રિપોર્ટ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને સોંપવામાં આવશે અને તેમના દ્વારા જ રિપોર્ટ અંગેની હકીકતો જાહેર કરવામાં આવશે. આ તપાસ રિપોર્ટમાં રૂૂપાલા દ્વારા આચારસંહિતા ભંગ સાબિત થશે તો ચૂંટણી
પંચ દ્વારા કડક પગલાં લેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. જે બાદ રૂૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતો વીડિયો જાહેર કર્યો હતો. બાદમાં ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મળેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં રૂૂપાલાએ જાહેરમાં બે હાથ જોડી માફી માગી હતી, પરંતુ તે બાદ પણ હજુ વિરોધ યથાવત છે.

રિલેટેડ ન્યૂઝ