ભારે ગરમીને કારણે શહેરની શાળાનો સમય સવારનો કરાયો

રાજ્યમાં માર્ચના અંતની શરૂૂઆત સાથે જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ગરમી વધવાની શક્યતા છે. જેના કારણે બપોર પાળીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર થતી હોવાનું જણાવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય સવારનો રાખવા માટે ભલામણ કરવામાં આવી હતી. જેના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં સોમવારથી જ સ્કૂલોનો સમય સવારનો રાખવા માટે પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સ્કૂલો અને જિલ્લા પંચાયત હસ્તકની સ્કૂલોમાં પણ સ્કૂલોનો સમય સવારનો રાખવા માટે પરિપત્ર કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓનો શાળા સમય સવારનો કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષણ સચિવને પત્ર લખીને રજૂઆત કરી હતી. જેમાં જણાવાયું હતું કે, સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ગુજરાત, રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ ગૃહ મંત્રાલય, ભારત સરકારના ભારત મોસમ વિભાગ તેમજ સ્વાસ્થ્ય તથા પરિવાર વિભાગના વિવિધ પત્રોથી રાજ્ય સરકારને જણાવ્યા અનુસાર ગુજરાતમાં વર્તમાન કલાયમેટ સ્થિતિ અનુસાર ત્રણ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા છે. આમ, રાજ્યમાં ગરમીનો પારો સતત વધવાને લીધે ખૂબ જ વધારે ગરમીને પગલે બપોરની શાળામાં વિદ્યાર્થીઓ હેરાન થતાં હોવાનું ધ્યાને આવ્યું છે. વધુ પડતી ગરમીને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર પડે તેવી પૂરી શક્યતા છે.
ઉપરાંત ઘણા વિસ્તારોમાં પાણીની તંગીના કારણે પણ પ્રશ્ર્નો ઉદ્ભવે છે. આ બાબતો જોતાં વિદ્યાર્થીઓના સામૂહિક સ્વાસ્થ્યને ધ્યાને રાખી ગુજરાત રાજ્યની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો શાળા સમય સવારનો રાખવા જણાવાયું હતું. રજૂઆતોના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં સ્કૂલોના સમયને લઈને પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં હાલમાં બપોર પાળીમાં ચાલતી સ્કૂલોનો સમય સવારનો રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની સ્કૂલો અને જિલ્લા પંચાયત હસ્તકની સ્કૂલોનો સમય પણ સવારનો રાખવા માટે પરિપત્ર કરાયો હોવાનું જાણવા મળે છે.
એમએમસી સંચાલિત સ્કૂલો જે સવાર પાળીમાં ચાલતી હતી તેનો સમય 5 મે સુધી સવારના 7.10થી 12.00 સુધીનો રાખવામાં આવ્યો છે. ઉપરાંત બપોર પાળીની સ્કૂલો કે જ્યાં બેસવાની પૂરતી વ્યવસ્થા હોય તેવી સ્કૂલો પણ સવારના 7.10 વાગ્યાથી 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. પરંતુ જે બપોર પાળીની સ્કૂલો માટે બેસવાની પૂરતી વ્યવસ્થા ન હોય તેવી સ્કૂલો બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી જ ચાલુ રહેશે. આ જ રીતે અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની સ્કૂલોમાં પણ ગરમીના પગલે સ્કૂલો સવાર પાળીમાં ચલાવવા માટે આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ડીપીઇઓ દ્વારા કરાયેલા પરિપત્ર અનુસાર, 30 જૂન સુધી સ્કૂલોનો સમય સવારના 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી રાખવા માટે જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ