ક્ષત્રીય સમાજ વિશે બફાટ કરનાર પુરૂષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરો: પોરબંદર રાજપૂત સમાજ


પોરબંદરમાં સમસ્ત રાજપૂત સમાજ, રાજપૂત મહીલા સંઘ, કરણી સેના દ્વારા જીલ્લા કલેકટરને પાઠવાયુ આવેદન: રાજય, રાષ્ટ્ર અને હિંદુત્વની રક્ષા માટે સક્રિય ક્ષત્રિય સમાજે અસંખ્ય બલિદાન આપીને શહીદી વ્હોરી એ ઇતિહાસની શા માટે થઇ રહી છે ઘોર ઉપેક્ષા? ઉઠાવાયો સવાલ

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રીય સમાજ વિષયક બફાટ અને ટિપ્પણી કરીને પોતાની નિમ્નકક્ષાની માનસીકતા છતી કરી છે ત્યારે પોરબંદરમાં પણ સમસ્ત રાજપૂત સમાજ, રાજપૂત મહીલા સંઘ, કરણી સેના દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવાયુ હતુ અને રોષપૂર્ણ રજુઆત કરવામાં આવી હતી.
પોરબંદર જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા ગયેલા પોરબંદર રાજપૂત મહીલા સંઘના રોહીનીબા રાણા, મનહરબા વાળા, ધર્મિષ્ઠાબા જાડેજા, ધર્મિષ્ઠાબા વાળા, સમસ્ત રાજપૂત સમાજ પોરબંદરના પ્રમુખ રાજભા જેઠવા, ઉપપ્રમુખ ભયલુભા જાડેજા, સેક્રેટરી રાજદિપસીંહ જેઠવા, પોરબંદર કરણી સેનાના પ્રમુખ શકિતસીંહ જેઠવા, જયદિપસીંહ જેઠવા, હીતુભા જેઠવા, ધર્મેન્દ્રસિંહ જેઠવા, અનિરૂઘ્ધસીંહ જાડેજા સહીત રાજપૂત સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, તાજેતરમાં રાજકોટ મુકામે શહેરી વિસ્તારમાં ખાસ સમાજમાં ચુંટણી પ્રચાર અર્થે ગયેલા રાજ્ય સભાના સાંસદ અને મંત્રી પુરૂષોત્તમ રૂપાલા એ તેમના ભાષણમાં રાજા/મહારાજાઓ તથા ક્ષત્રિય સમાજ વિષે તથ્ય વિહોણી અભદ્ર ટીકા ટીપ્પણીઓ કરી અને સમગ્ર ક્ષત્રીય સમાજને મુલ્ય વિહીન અને ક્ષાત્રત્વ વિહીન દર્શાવવાનો જે નિમ્ન પ્રયાસ કર્યો છે વાણી વિલાસ અને બફાટ કરેલ છે જે ઈતિહાસ સાથે સુસંગત નથી.
આ રાજકીય વ્યક્તિ એ કરેલ બફાટને તમામ રાજપૂત સમજે વખોડી કાઢેલ છે. તેને પોરબંદર રાજપૂત સમાજ પણ વખોડી કાઢે છે તમામ સમાજ માટે જનતા જનાર્દન માટે રાજ્ય-રાષ્ટ્ર અને હિન્દુત્વ ની રક્ષા, જતન માટે ક્ષત્રીય સમાજે અસંખ્ય બલિદાનો આપી શહીદી વહોરી અને 562 રાજ્યો દેશને સમર્પિત કરેલ છે જે સર્વોચ્ચ ઈતિહાસિક ત્યાગ જેવી સારી ઘણી બાબતો ની ઘોર ઉપેક્ષા કરેલ છે.
પુરૂષોતમ રૂપાલાનું લોકસભાનું રાજકોટનું ઉમેદવારી પત્ર રદ થાય એવી અમારી માંગણી છે અમારા સમગ્ર ક્ષત્રીય સમાજની લાગણીઓ ખુબ જ દુભાયેલ છે જેના પ્રત્યાઘાત રૂપે સમગ્ર ક્ષત્રીય સમાજ તેમના આ પ્રકારના હીન પ્રયાસોનો સખ્ત શબ્દોમાં વિરોધ નોંધાવે છે. કાયદાકીય રીતે અમોને આ વિષયે ન્યાય મળે અને જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય કડક પગલાં લેવાય તેવી તમામ ક્ષત્રીય સમાજની લાગણી અને માંગણી કરવાના ભાગરૂપે આપને આ આવેદન પત્ર સુપ્રત કરીએ છીએ તેમ રજુઆતમાં જણાવ્યું હતું. આ આયોજનમાં પોરબંદર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી પણ વિશાળ સંખ્યામાં રાજપૂત ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

રિલેટેડ ન્યૂઝ