રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજથી લોકસભા માટે ઉમેદવારીનો થશે પ્રારંભ

ચૂંટણી સંદર્ભે વધુ એક ડઝન જાહેરનામા પ્રસિધ્ધ : મતદારોની હેરાફેરી કરનાર સામે કડક કાર્યવાહી

લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 26 બેઠક માટે ચૂંટણી યોજાનાર હોય જે માટે આવતી કાલે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામા પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવાર ઉમેદવારી પત્રક ભરી શકાશે બીજી બાજુ ચૂંટણી પંચ દ્વારા શાંતિ પૂર્ણ મતદાન થાય તે માટે મતદાનના દિવસે આચારસંહિતાની અમલવારી માટેના વધુ 1 ડઝન જેટલા જાહેરનામાં કાલે પ્રસિધ્ધ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સમગ્ર દેશમાં સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન રાખવામાં આવ્યું છે. આવતી કાલે 12 એપ્રીલથી ઉમેદવારી પત્રક ભરાવાના શરૂ થનાર હોય જે માટે આવતી કાલે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવશે ત્યારે મુખ્ય જાહેરનામાંની સાથો સાથ મતદાનના દિવસે આચારસંહિતાની કડક અમલવારીમાં વધુ એક ડઝન જેટલા જાહેરનામાં પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને કાલે આ જાહેરનામાં પ્રસિધ્ધ કરવામાં આવશે. કલેક્ટર સુત્રના જણાવ્યા પ્રમાણે આવતી કાલે પ્રસિધ્ધ થનાર જાહેરનામાંમાં મતદાનના દિવસે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા થાય તે માટે તૈયાર કરવામાં આવેલા જાહેરનામાંમાં મતદાન મથકની આજુબાજુના વિસ્તારોમાં 144ની કલમ અમલમાં મુકાશે સાથો સાથ મતદાન મથકની નજીક ચાર વ્યક્તિથી વધારે કોઈ વ્યક્તિ એકઠા થઈ શકશે નહીં. આ ઉપરાંત મતદાન મથકની આજુબાજુમાં કોઈ ચુંટણી સાહિત્ય કે પ્રચાર કરી શકાશે નહીં તેમજ ઉમેદવારો કોઈપણ જાતના ખેસ વગર મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે. મતદાનના 48 કલાક પહેલા પ્રચાર ઝુંબેશ બંધ કરી દેવામાં આવશે અને ત્યાર બાદ કોઈ પણ સ્થળે પ્રચારના ભુંગળા વાગશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મતદાનના 48 કલાક પહેલા બારના જિલ્લા કે રાજ્યમાંથી આવેલા પક્ષના હોદેદારો કે આગેવાનોએ રાજકોટ શહેર છોડી દેવું પડશે. જો કે, હોદેદારો કે આગેવાનો મળી આવશે તો તેમની સામે આચારસંહિતા ભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મતદાનના દિવસે મતદારોને રિઝવવા માટે વાહનોમાં હેરફેર કરી શકાશે નહીં આવી ફરિયાદો મળશે તો તેમની સામે આચારસંહિતા ભંગની કાર્યવાહી કરાશે.

રિલેટેડ ન્યૂઝ