રાજકોટ અકસ્માતમાં ઘવાયેલા યુવાને દમ તોડ્યો

બે મહિના પૂર્વે મોટા ભાઈનું કેન્સરની બીમારીથી મોત નિપજ્યું’તું, પરિવારના આધારસ્તંભ બન્ને પુત્રોના મોતથી પરિવારમાં અરેરાટી

શહેરના ભગવતીપરામાં સ્વામીનારાયણ ડેરી વાળી શેરીમાં રહેતો યુવાન આજે અચાનક પોતાના ઘરે બેભાન થઈ જતાં તેમને પરિવારે અહીની સરકારી હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યા હતાં. પરિવારે જણાવ્યું હતું કે, યુવક તેમના પત્ની સાથે બહાર જતા હતા ત્યારે કુતરુ આડુ ઉતરતા બાઈક સ્લીપ થતાં દંપતિને ઈજા થઈ હતી.
હોસ્પિટલે સારવાર લીધા બાદ યુવકને ઘરે લાવતા આજે સવારે તે પોતાના ઘરે જ ઢળી પડ્યો હતો આ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
બનાવની વધુ વિગતો અનુસાર, ભગવતીપરામાં આવેલી સ્વામીનારાયણ ડેરી વાળી શેરીમાં રહેતા મનોજ ચકુભાઈ ઝરમરીયા (ઉ.વ.27) નામનો યુવાન આજે પોતાના ઘરે સવારના સમયે બેભાન થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મનોજ બેભાઈમાં નાનો હતો તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે ગઈ તા. 6ના રોજ તેમના પત્ની કિરણબેનને સાથે લઈ બાઈકમાં બહાર જતાં હતા ત્યારે કુતરુ આડુ ઉતરતા બાઈક સ્લિપ થયું હતું ત્યારે દંપતિને ઈજા થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં સારવાર લીધા બાદ મનોજને રજા અપાઈ હતી પરિવારે જણાવ્યું હતું કે, બે મહિના પહેલા મનોજનો મોટોભાઈ રમેશનું કેન્સરની બિમારીથી મોત નિપજ્યું હતું બાદમાં હવે મનોજે પણ દમ તોડી દેતા ઘરના આધાર સ્થંભ સમાન બન્ને પુત્રોના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.

રિલેટેડ ન્યૂઝ