રૂપાલાના વિરોધમાં રાજકોટ-કાલાવડ રોડ પર રસ્તા રોકો આંદોલન

શિશાંગ પાસે પુતળા દહન કરાયું

રાજકોટ લોકસભાના ભાજપા ઉમેદવાર પરસોતમ રૂપાલાએ એક જાહેર સભામાં ક્ષત્રિય સમાજની બહેન દિકરીઓ પર કરેલી અભદ્ર ટિપ્પણીના મુદ્દે રાજ્યભરમાં ચાલી રહેલો વિરોધમાં હવે આંદોલન ગામડાઓ સુધી પહોંચ્યુ છે ત્યારે ગઈકાલે સાંજે રાજકોટ-કાલાવડ હાઈવે પર શીશાંગ નજીક ક્ષત્રિય સેના દ્વારા પુતળા દહન કરી રસ્તારોકો આંદોલન કર્યુ હતું અને લોકસભાના ઉમેદવારની ટિકીટ રદ કરવાની માંગ કરી હતી. રાજકોટમાં એક ખાનગી કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ જાહેરસભામાં ક્ષત્રિય સમાજની બહેન દિકરીઓ પર અભદ્ર ટીપ્પણી કરી હતી જેનો વિડિયો વાયરલ થયા બાદ ઉમેદવારે બબ્બે વખત ક્ષત્રિય સમાજની માફી માગી હતી પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા ઉમેદવારની ટીકીટ રદ કરવાની માંગણી સાથે રસ્તા ઉપર ઉતરી આવી આંદોલન શરૂ કર્યુ હતું.
છેલ્લા 15 દિવસથી સમગ્ર રાજ્યમાં લોકસભાના ઉમેદવારનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ આંદોલનની આગ ગામડાઓ સુધી પહોંચી છે અગાઉ ગામડાઓમાં ભાજપના ઉમેદવારોને પ્રવેશબંધી ફરમાવતા બેનરો લાગ્યા બાદ હવે ગામડાના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. જેમાં ગઈકાલે સાંજે કાલાવડના શીશાંગ ગામે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પુતળા દહન કાર્યક્રમ આપ્યો હતો. શીશાંગ ગામના ક્ષત્રિય સમાજના યુવકોએ પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માગંણી સાથે સત્રુોચ્ચાર કરી હાઈવે ઉપર રસ્તા રોકો આંદોલન કર્યુ હતું જેના કારણે રાજકોટ કાલાવડ વચ્ચેનો ટ્રાફિક વ્યવહાર થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બનાવની પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પરંતુ તે પહેલા જ આંદોલનકારી યુવાનો પોતાનું આંદોલન સમેટીને જતા રહ્યા હતાં.

રિલેટેડ ન્યૂઝ