રાજકોટમાં ખૂનની કોશિષ અને દારૂના ગૂનામાં વોન્ટેડ બુટલેગર ઝડપાયો

ઝડપાયેલો શખ્સ અગાઉ દારૂના કેસમાં 10 વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે
શહેરના આજી ડેમ પોલીસ મથકમાં હત્યાની કોશિષ અને બી ડીવીઝન પોલીસ મથકમાં દારૂના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી વોન્ટેડ કુખ્યાત બુટલેગરને એલસીબી ઝોન-1ની ટીમે બાતમીના આધારે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી.બોરીસાગરના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા, રવિરાજ પટગીર, દિવ્યરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન આજી ડેમ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાની કોશિષના ગુનામાં અને બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો કુખ્યાત બુટલેગર પ્રતિક દિલીપ ચંદારાણા (રહે.ભગરથ સોસાયટી સંતકબીર રોડ વાળો) કાલાવડ હોવાની ચોકસ બાતમીના આધારે પોલીસે તેને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલો પ્રતિક ચંદારાણા કુખ્યાત બુટલેગર છે તેના વિરૂધ્ધ અગાઉ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો હોવાનું જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ