રાજકોટમાં મૈત્રીકરારથી સાથે રહેતી પરિણીતા સાથે ઝઘડો થતા પ્રેમીનો આપઘાત

યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં કરૂણ કલ્પાંત

રાજકોટમાં બે સંતાનોની માતા સાથે મૈત્રી કરારથી રહેતો યુવાન પત્નીની આંખની સારવાર અર્થે અમદાવાદ ગયો હતો જે બાબતે મૈત્રી કરારથી સાથે રહેતા પરિણીત પ્રેમી પંખીડા વચ્ચે ઝઘડો થતા પ્રેમી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં જામનગર રોડ ઉપર એસઆરપી કેમ્પ સામે આવેલ વર્ધમાન ગ્રીનમાં રહેતા રવિ રમેશભાઈ પરમાર નામનો 27 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ગળેફાંસો ખાઈ લીધો હતો. રવિ પરમારને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં રવિ પરમાર બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતો અને પરિણીત હતો. રમેશ પરમારના માતા પિતા મવડી વિસ્તારમાં આવેલા ઉદયનગરમાં રહે છે. રવિ પરમારને સીમરન નામની બે સંતાનની માતા સાથે આંખ મળી જતા છેલ્લા છએક મહિનાથી મૈત્રી કરાર કરી સાથે રહે છે. રવિ પરમાર પત્નીની આંખની સારવાર માટે અમદાવાદ ગયો હતો જે બાબતે રવિ પરમાર અને સિમરન વચ્ચે રકઝક થતા રવિ પરમારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ