રાજકોટમાં તસ્કરો બેલગામ: ધોળે દિવસે બે મકાનમાં ખાતર પાડ્યું

બંને સ્થળેથી 4.90 લાખની માલમતાની ચોરી: ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ

રાજકોટમાં તસ્કરો બેલગામ બન્યા હોય તેમ જુદા જુદા બે સ્થળે ધોળા દિવસે ખાતર પાડ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં ભારતીય નગર મેન રોડ ઉપર સંબંધીને ત્યાં જમવા ગયેલા પરિવારના ઘરમાંથી રૂ.4,48,820 ની માલમતા અને ગાયત્રીધામ સોસાયટીમાં કર્મકાંડી બ્રાહ્મણ પરિવારનાં બંધ મકાનમાંથી ઘરેણા અને રોકડ સહિત રૂા.42 હજારની ચોરી થઈ હોવાનું સામે આવતાં ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
વધુ વિગતો અનુસાર, રાજકોટમાં ભારતીનગર મેઇન રોડ ઉપર રહેતા ધવલભાઇ નરેન્દ્રભાઈ ચૌહાણ પોતાના પરિવાર સાથે ગઈકાલે સંબંધીને ત્યાં બપોરના જમવા માટે ગયા હતા. ત્યારે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી બંધ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.4,48,820 ના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતા. પરિવારજનો ઘરે પરત ફરતા ઘરનો સામાન વેર વિખેર જોવા મળતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી હતી
બીજા બનાવમાં ગાયત્રીધામ સોસાયટીના સિદ્ધી વિનાયક મકાનમાં રહેતા ભાસ્કરભાઈ અંબાશંકરભાઈ દવે (ઉ.વ.53)એ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેઓ કર્મકાંડ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે બપોરના બે વાગ્યે તેઓ મકાન બંધ કરી પરિવાર સાથે સબંધીને ત્યાં ગયા હતા ત્યારબાદ સાંજના ચારેક વાગ્યે પરત ઘરે ફરતા ઘરનો સામાન વેરવિખેર હતો જેથી ચોરી થયાનું માલુમ પડયુ હતું. અંદર જઈ તપાસ કરતા મકાનનાં પહેલા માળેથી સોના-ચાંદીના દાગીના ચાંદીની ચીજવસ્તુઓ રૂા.38 હજાર અને રોકડ રૂા.4 હજાર રૂા.42 હજારની મતા કોઇ અજાણ્યો ચોરી મકાનની દિવલા કુદી દરવાજાના તાળા તોડી ચોરી કરી ગયાનું માલુમ પડયુ હતું. આ મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ