રાજકોટના વેપારીને ઓનલાઈન LED લાઈટનો જથ્થો મંગાવવો ભારે પડ્યો:1.10 લાખની છેતરપીંડી

દિલ્હી અને સુરતના લાઈટીંગ કંપનીના મેનેજરની ઓળખ આપી સસ્તા ભાવની લાલચ આપી વેપારીને ધુંબો માર્યો

રાજકોટ શહેરના સાંગણવા ચોકમાં ઈલેકટ્રિકની દુકાન ધરાવતાં વેપારીને સસ્તામાં એલઈડી લાઈટ આપાની લાલચ આપી દિલ્હી અને સુરતની લાઈટીંગ કંપનીના મેનેજરની ખોટી ઓળખ આપી રૂા.1.10 લાખની છેતરપીંડી આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વેપારીએ આરોપીની લાલચમાં આવી જઈ એલઈડી લાઈટીંગનો ઓર્ડર આપી એડવાન્સ પેમેન્ટ પેટે રૂા.1.10 લાખ આપ્યા હતાં. બાદમાં આરોપીએ માલ નહીં મોકલી ઠગાઈ આચરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ રૈયા સર્કલ પાસે શિવમ પાર્ક શેરી નં.1માં રહેતા અને સાંગણવા ચોકમાં પ્રેમ કોમ્પલેક્ષમાં ડીલાઈટ લાઈટ નામની ઈલેકટ્રીકની દુકાન ચલાવતાં ધવલભાઈ જયંતભાઈ નારીચાનીયા (ઉ.36)એ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જય સત્યા લાઈટીંગના મેનેજરની ઓળખ આપનાર અમીતસિંઘ તથા એચ.ડી.એફ.સી.ખાતુ ધરાવનાર વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ આઠેક મહિના પહેલા તેમના મોબાઈલમાં અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો અને ફોન કરનારે જય સત્યા લાઈટીંગનું મેન્યુફેકચરીંગ યુનિટ
સુરત અને દિલ્હી ખાતે આવેલ છે અને તેમાં તેઓ મેનેજર છે તેવી ઓળખ આપી તમારે એલઈડી લાઈટનો માલ મંગાવો હોય તો અમો સસ્તા ભાવે આપીશું તેમ જણાવ્યું હતું. ત્યારબાદ અવારનવાર ફોન અને
વોટસએપમાં મેસેજ દ્વારા વાત કરી હતી. બાદમાં તેઓને એલઈડી લાઈટનો જથ્થો મંગાવો હોય જેથી આ ફોન કરનાર અજયસિંઘને એલઈડી લાઈટનો 500 નંગનો જથ્થો મંગાવવા માટે ઓર્ડર આપ્યો હતો. સામાવાળાએ રૂા. 335 લેખે 500 નંગના 1,67,500 અને જીએસટી મળી કુલ 1,97,650નું જય સત્યા લાઈટ કંપનીનું જીએસટી વાળુ બિલ મોકલેલ હતું અને સામાવાળાએ આ ઓર્ડરના એડવાન્સ પેમેન્ટ કરવાનું કહેતા વેપારીએ તેના આઈડીએફસી બેંક ખાતામાં રૂા.20 હજાર ભર્યા હતાં ત્યારબાદ 27-9-2023નાં બીજા 90 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યો હતાં. આમ કુલ રૂા.1.10 લાખ મોકલી આપવા છતાં તેમને કોઈ માલ મળ્યો ન હતો. આમ છતાં સામેવાળાને અવારનવાર ફોન કરવા છતાં યોગ્ય પ્રત્યુતર ન આપતાં તેમની સાથે છેતરપીંડી થયાની જાણ થતાં તેમણે સીઆઈડી ક્રાઈમના હેલ્પલાઈન નંબર પર અરજી કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે વેપારીની ફરિયાદ પરથી આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ કે.પી.જાદવે વધુ તપાસ હાથ
ધરી છે.

રિલેટેડ ન્યૂઝ