રાજકોટના પરિવારનો આર્થિક ભીંસથી કંટાળી પડધરીમાં ઝેર પી સામૂહિક આપઘાત

રાજકોટથી નીકળેલા પતિ-પત્ની અને પુત્રએ પડધરી જઈ રિક્ષામાં જ વખ ઘોળી જીવન ટૂંકાવ્યું

રાજકોટ-જામનગર હાઈ-વે પર મોટારામપર નજીક ખરાબાની જગ્યામાં રાજકોટના મુસ્લિમ પરિવારના દંપતિ અને પુત્રએ સામૂહિક આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટનાં ભગવતીપરામાં રહેતા અને ભાભા હોટલ નજીક રીક્ષા સ્ટેન્ડમાં ઉભા રહેતા રીક્ષા ચાલકે પત્ની અને 35 વર્ષિય યુવાન પુત્ર સાથે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પીને આપઘાત કરી લીધાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ભગવતીપરા વિસ્તાર અને મુસ્લિમ સમાજમાં ભારે શોક વ્યાપી ગયો છે.
મળતી વિગતો મુજબ, રાજકોટ-જામનગર હાઈવે પર મોટા રામપર ગામના પાટીયા પાસે હાઈ-વેથી 100 મીટર દૂર સરકારી ખરાબાની જગ્યામાં રિક્ષા નં.જી.જે.3 બી.એકસ.285માં ત્રણ મૃતદેહ મળી આવ્યા હતાં. આ અંગેની જાણ ત્યાંથી પસાર થયેલા એક વ્યક્તિએ પોલીસને કરી હતી. એક મહિલા અને બે પુરૂષના મૃતદેહ રિક્ષામાં પડયા હોવાની જાણ પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. રિક્ષામાં મળેલા આ ત્રણ મૃતદેહની ઓળખ મેળવવા માટે પોલીસે તેમની પાસેથી મળેલા મોબાઈલ નંબરના આધારે તપાસ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મૃતદેહ રાજકોટના ભગવતીપરામાં ફાતેમા મસ્જીદ પાસે રહેતા કાદર અલીભાઈ મુકાસમ (આરબ) તેમની પત્ની ફરીદાબેન કાદરભાઈ મુકાસમ (ઉ.58) અને પુત્ર આસીફ કાદરભાઈ મુકાસમ (ઉ.35)ના હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં આ સામુહિક આપઘાત પાછળ આર્થિક ભીંસ અને બિમારી જવાબદાર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પડધરી પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી કરી ત્રણેય મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે પડધરી હોસ્પિટલ ખાતે ખસેડયા હતાં.
પડધરી પોલીસની તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ રાજકોટનાં ભગવતીપરામાં રહેતા કાદરભાઈ તેના પત્ની ફરીદાબેન અને પુત્ર આસીફે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. રાજકોટથી રીક્ષામાં જામનગર હાઈ-વે પર આવેલા મોટારામપર ગામના સરકારી ખરાબામાં રીક્ષા ઉભી રાખી ત્યાં જ દંપતિ અને પુત્રએ સજોડે ઝેરી દવા પી મોત વ્હાલુ કરી લીધું હતું. કાદરભાઈ રાજકોટના ભગવતીપરામાં રહેતા હતાં અને રીક્ષા ડ્રાઈવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાલતાં હતાં. મહાત્મા ગાંધી મ્યુઝીયમ પાસે ભાભા હોટલ નજીક તે રીક્ષા સ્ટેન્ડે ઉભા રહેતાં હતાં. જ્યારે તેમનો પુત્ર આસીફ પોતાના ઘરે જ ઈમીટેશનનું કામ કરતો હતો. કાદરભાઈ ફાતેમા મસ્જીદની બાજુમાં અબ્દુલભાઈના મકાનમાં છેલ્લા ઘણા સમયથી ભાડે રહેતાં હતાં અને ગઈકાલે સાંજે ઘરેથી તાળુ મારીને નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ