પડધરીના ફતેપરમાં હુમલામાં ઘવાયેલા યુવકનું મોત: હત્યા કે હાર્ટ એટેક?

આડા સંબંધની શંકાએ ત્રણ દિવસ પૂર્વે 4 શખ્સો ઢોર માર મારી ઘર પાસે ફેંકી ગયા’તાં; મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ

પડધરીના ફતેપર ગામના યુવાન ઉપર આડા સંબંધની શંકાએ ત્રણ દિવસ પૂર્વે વાડીએ ચાર શખ્સોએ તેના પર હુમલો કર્યા બાદ તેને ઘર પાસે ફેંકી દીધો હતો. જેને સારવાર માટે ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું મોડીરાત્રે મોત નિપજતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો. યુવાનનું મોત માર મારવાથી નીપજ્યું છે કે પછી કોઈ અગમ્ય કારણસર તે જાણવા પડધરી પોલીસે ફોરેન્સીક પોસ્ટમેાર્ટમ કરાવી આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.
સમગ્ર ઘટનાની મળતી વિગતો મુજબ, પડધરી તાલુકાનાં ફતેપર ગામના અને ખેતી કામ કરતાં અશ્ર્વિન પરસોતમભાઈ ગજેરા (ઉ.36) નામના યુવાન ઉપર ત્રણ દિવસ પૂર્વે ગત તા.19-5નાં રોજ વાડીએ સુતો હતો ત્યારે રાત્રે સાડા નવ વાગ્યે ફતેપરના અશોક છગન બાળા (બોરીચા) વણપરીના ભરત બાળા (બોરીચા) અને અજાણ્યા બે શખ્સોએ ધોકા તથા પાઈપ વડે હુમલો કર્યો હતો. અશ્ર્વિનને ઢોર માર માર્યા બાદ આ ચારેય શખ્સો વાડીએથી વાહનમાં નાખી અશ્ર્વિનને ઈજાગ્રસ્ત હાલતમાં તેના ઘર પાસે ફેંકી ગયા હતાં. રાત્રે ઈજાગ્રસ્ત હાલતમાં ઘરે પહોંચેલા અશ્ર્વિનને પ્રથમ પડધરી અને બાદમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા બાદ તેનું સારવાર દરમિયાન રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો.
આ બનાવની જાણ પડધરી પોલીસને કરવામાં આવતાં પડધરી પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો અને મોતનું સાચુ કારણ જાણવા ફોરેન્સીક ફોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ, અશ્ર્વિનભાઈ બે બેન અને એક ભાઈમાં મોટા હતાં. બન્ને બહેનોના લગ્ન થઈ ગયા હોય તે બન્ને સાસરે છે જ્યારે અશ્ર્વિનભાઈના લગ્ન થયા બાદ પત્ની સાથે મનમેળ નહીં આવતાં થોડા વખત પૂર્વે જ તેના છુટાછેડા થઈ ગયા હતાં અશ્ર્વિનભાઈના પિતા હયાત ન હોય તે પરિવાર સાથે ફતેપર ગામે જ રહેતો હતો. છુટાછેડા થયા બાદ અશ્ર્વિનભાઈને એક મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાતા તેની સાથે અવારનવાર તે મળતાં હતાં જેની જાણ મહિલાના પરિવારજનોને થતાં તેમણે અશ્ર્વિનભાઈ વાડીએ સુતા હતા ત્યારે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા અશ્ર્વિનભાઈનું સારવારમાં મોત થતાં આ બનાવ યુવાનનું મોત માર મારવાથી નીપજ્યું છે કે પછી કોઈ અગમ્ય કારણસર તે જાણવા પડધરી પોલીસે ફોરેન્સીક પોસ્ટમેાર્ટમ કરાવી આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી. હાલ પોલીસે જે તે વખતે અશોક બાળા, ભરત બાળા સહિતના ચાર સામે મારામારીનો ગુનો નોંધ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ