અગ્નિકાંડ: TRP ગેમ ઝોનના સંચાલકોને રિમાન્ડ પૂર્ણ થતાં કરાયા જેલ હવાલે

પૂર્વ ટીપીઓ સાગઠિયા સહિત ત્રણેય અધિકારીઓની પૂછપરછ જારી

રાજકોટનાં કાલાવડ રોડ પરના ટીઆરપી ગેમ ઝોન ખાતે બનેલા આગના બનાવમાં ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે ત્યારે આ મામલે ગેમઝોનના સંચાલક અને મેનેજર સહિત ચારના રિમાન્ડ આજે પૂર્ણ થતાં તેમને જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ ઘટનામાં સંડોવાયેલા મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ સહિતના ચાર અધિકારીઓના હજુ રિમાન્ડ ચાલુ હોય તેમની પુછપરછ યથાવત રાખવામાં આવી છે. સમગ્ર ઘટનામાં ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે ત્યારે આ મામલે હજુ પણ એક ભાગીદાર કરાર હોય જેની ધરપકડ માટે ક્રાઈમ બ્રાંચની ત્રણ ટીમ તપાસ કરી રહી છે. આગની ઘટના મામલે ક્રાઈમ બ્રાંચે આ ગુનાની તપાસ અંગેની સમગ્ર વિગતો મીડિયા સમક્ષ જાહેર કરી હતી. જેમાં આરોપીઓ તેમજ આગ લાગવાનું કારણ અને કોનો શું રોલ હતો ? તે સહિતની માહિતી જાહેર કરી હતી. . આ ગુનામાં પોલીસે યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, નિતીનકુમાર મહાવિરપ્રસાદ લોઢા, રાહુલ લલિત રાઠોડ, ધવલ ભરત ઠક્કર અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા તેમજ અશોકસિંહ જગદીશસિંહ જાડેજા અને પ્રકાશચંદ કનૈયાલાલ હિરન સામે ગુનો નોંધ્યો હતો. ઘટનામાં મેનેજર પ્રકાશચંદનું મોત થયું હોય અને અશોકસિંહ હજુ કરાર હોય ઝડપાયેલા પાંચ આરોપીઓમાં ટીઆરપી ગેમઝોન નામથી એમ્યુઝમેન્ટ પાર્ક બનાવેલ જે ધવલ કોર્પોરેશન તેમજ રેસ વે એન્ટરપ્રાઈઝ નામની બન્ને પેઢી સંયુકત રીતે ચલાવવામાં આવતી હતી. જેમાં આરોપીઓ ભાગીદાર હોવાનું તેમજ મેનેજમેન્ટ તથા સંચાલન કરતાં હોય, તેઓએ ગેર કાયદેસર બાંધકામ કરી તેમજ ફાયર એનઓસી નહીં મેળવતાં આ ઘટના બની હતી.
ગેમઝોનમાં ગ્રાહકોને પ્રવેશ આપ્યો ત્યારે ત્યારે વેલ્ડીંગનું કામ થતું હતું ત્યાં નીચે તુરત જજ સળગી ઉઠે તેવી પફ પેનલ શીટો રખાવી બેજવાબદારી પૂર્વકની પ્રવૃતિ કરી તેઓ જાણતા હોય કે આ ટીઆરપી ગેમઝોનમાં જો આગ લાગશે તો કસ્ટમર (ગ્રાહકો) ગેમઝોનથી સરળતાથી બધા માણસો બહાર નીકળી શકશે નહીં જેથી મોટા પ્રમાણમાં જાનહાની થવાનો સંભવ છે તેમ છનતાં પુરતી તકેદારી વગર ગેમઝોન ચલાવી બેદરકારી દાખવેલ હતી. આ મામલે તપાસમાં મહાનગપરાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનજી સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજી મકવાણા અને ફાયર ઓફિસર રોહિત આસમલભાઈ વિગોરાની પણ જવાબદારી હોવાનું સામે આવ્યું હતું. ટીઆરપી ગેમઝોનનું ગેરકાયદેસર બાંધકામ હોવા છતાં તેને દૂર કરવા નોટિસ આપેલ હોય અને નોટિસ બાદ એક વર્ષ સુધી ટીપી શાખાએ કોઈ કાર્યવાહી કરી ન હતી. તેમજ ગેમઝોનમાં 4-9-2023ના રોજ આગ લાગવાનો બનાવ બનેલ હોવા છતાં તે જગ્યાએ ફાયર એનઓસી અંગે અને ફાયર સેફટી અંગે કોઈ કાર્યવાહી નહીં કરી રોહિત વિગોરાએ બેદરકારી કરી હતી. ક્રાઈમ બ્રાંચે આ મામલે તમામ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતાં. જેમાં 14 દિવસના રિમાન્ડ પર રહેલા યુવરાજસિંહ સોલંકી, નિતીનકુમાર લોટા, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કરના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. જ્યારે મહાનગરપાલિકાના ટીપીઓ સહિતના ચાર અધિકારીઓના રિમાન્ડ ચાલુ હોય તેમની પુછપરછ યથાવત રાખવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ