રાજકોટમાં 2.89 લાખનો વાયર તફડાવનાર ગેંગની ધરપકડ

119 વાયરના બંડલ વેચી રોકડી કરે તે પહેલાં જ પોલીસે છ શખ્સોને ઝડપી લીધા

શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે સેવન સ્કવેર નામના બિલ્ડિંગમાં વાયરિંગ કામ માટે રાખેલા રૂા.2.89 લાખના 119 બંડલ કેબલની ચોરી થયાની ગત તા. 3ના રોજ ઘટના બની હતી.આ અંગે ફરિયાદ થયા બાદ બી ડિવિઝન પોલીસ ટીમે સીસીટીવી કેમેરા અને અન્ય સોર્સનો ઉપયોગ કરી 4 મહિલા અને 2 પુરૂષ તસ્કરની ટોળકીને પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે.
વધુ વિગતો મુજબ, મવડી વિસ્તારમાં કૈલાસ પાર્ક -વિસ્તારમાં રહેતા વિજયભાઈ ગીરધરભાઈ વેકરિયાએ સેવન સ્કવેર બિલ્ડીંગનું વાયરિંગનું કામ રાખ્યું હતું અને આ બિલ્ડિંગમાં પહેલા માળે વાયરના બંડલો રાખ્યા હતા.ગત તા.3ના રોજ આ બિલ્ડિંગમાં અજાણ્યા શખ્સોએ સીડી ગાળાના દરવાજામાં લાકડાની પ્લાઈ તોડી અંદર પ્રવેશી રૂા.2,89,950ની કિંમતના આ 119 બંડલોની ઉઠાંતરી કરી લીધી હતી.
આ બાબતે વિજયભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસ ઇન્સ. કે. જે. કરપડા, સબ ઈન્સ. કે.ડી. મારૂ અને સર્વેલન્સ ટીમના રાજેશભાઈ બાળા, પંકજભાઈ માળી, જયદીપસિંહ બોરાણા અને ટીમ તસ્કરોની શોધમાં લાગી ગઈ હતી. આ ટીમે સેવન સ્કવેર બિલ્ડિંગ તેમજ આજુબાજુના સીસીટીવી કેમેરાઓ ચેક કરી શકમંદોની આકરી પૂછપરછ કરી ચાર મહિલા સહિત છ શખ્સોની અટક કરી હતી.
જેમાં અજયભાઈ ઉર્ફે કાળીયો રાયધન સોલંકી (ઉ.વ.24) કુબલિયાપરા, સાગર અમૃતભાઈ વઢીયારા (ઉ.વ.23), સોનલબેન રાયધન સોલંકી (ઉ.વ.20) રહે. કુબલિયાપરા, લક્ષ્મીબેન વિજયભાઈ સોલંકી (ઉ.વ.21) કુબલિયાપરા, સંગીતા રાજુભાઈ કોસ્ટી (ઉ.વ.24)(રહે. સિવિલ હોસ્પિ. પાછળ જામનગર, પુજાબેન ઉદલભાઈ કનૈયાભાઈ પરમાર (ઉ.વ.20) (રહે. જામનગર દિગજામ સર્કલ)ની ધરપકડ કરી ચોરીમાં ગયેલો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપી પૈકી સંગીતા કોસ્ટી સામે જામનગરમાં બે ગુનાઓ અગાઉ નોંધાઈ ચુક્યા છે.

રિલેટેડ ન્યૂઝ