રાજકોટમાં દોઢ વર્ષની બાળાનું અગાસી પરથી પટકાતાં મોત

એકની એક પુત્રીનું સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં ગમગીની

બાળકોને અગાસી ઉપર અથવા ગેલેરીમાં એકલા રમવા મોકલતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં દોઢ વર્ષની એકની એક માસુમ પુત્રી રમતા રમતા અગાશી ઉપરથી પટકાઈ જતાં તેનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.જાણવા મળતી વિગત મુજબ, 150 ફુટ રીંગ રોડ પર આવેલી રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર શેરી નં.12-6માં રહેતા હિતેશભાઈ નકુમની દોઢ વર્ષની પુત્રી વિણા આજે સવારે આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરે અગાશી ઉપર રમતી હતી ત્યારે અકસ્માતે અગાશી ઉપરથી નીચે પટકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતાં અને ઈજાગ્રસ્ત પુત્રીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ માસુમ બાળકીએ દમ તોડી દેતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ ચોકીની સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં હિતેશભાઈ પ્લમ્બીંગનું કામ કરે છે. મૃતક વિણા પરિવારની એકની એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી સતવારા પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.

રિલેટેડ ન્યૂઝ