અગ્નિકાંડ: સીટનો રિપોર્ટ અનેક અધિકારી સહિતના જવાબદારોને દઝાડશે

એક આઈપીએસ, 4 આઈએએસ અને 24 અધિકારી-પદાધીકારીના નિવેદનો સાથેનો 100 પાનાનો રિપોર્ટ સરકારને સુપ્રત કરાયો

ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નિયત સમય કરતાં એક દિવસ મોડો સરકારને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં કેટલાક ટોચના અધિકારીઓના અને તેમની રાજકીય સાંઠગાંઠનો નામજોગ ઉલ્લેખ છે. આ અંગે ટોચના સૂત્રોએ જણાવ્યું કે આજે એડિશનલ ડીજીપી સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં એસઆઈટી સભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં રિપોર્ટમાં સામે આવેલા તથ્યો બાબતે ચર્ચા કરવમાં આવી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા જવાબદાર અધિકારી અને નેતાઓ સામે પગલાં લેવાની તૈયારી ચાલુ કરી દેવાઈ છે. સીટ દ્વારા સરકારને આપેલા રિપોર્ટમાં આ આગ કાંડની ઘટનામાં પોલીસ, મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ અને ફાયર વિભાગ જવાબદાર હોવાનું જણાવવામાં આવ્યું છે. આ મામલે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમના રિપોર્ટ બાદ હવે રાજ્ય સરકાર હવે જવાબદાર સામે કાર્યવાહી કરી શકે છે અને ટૂંક સમયમાં જ આ મામલે ખાતાકીય પગલાં પણ ભરવામાં આવશે. હજુ પણ સીટની તપાસ રિપાર્ટે આપ્યા બાદ પણ ચાલુ રહેશે. આગ કાંડમાં સરકાર દ્વારા બનાવેલી સીટના અધ્યક્ષ સીઆઈડીના વડા સુભાષ ત્રિવેદીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું તું કે, રાજકોટમાં બનેલા આગ કાંડની ઘટનાનો રિપોર્ટ સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. 100 પાનાના આ રિપોર્ટમાં કોની કોની ભુલ છે ? તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગ કાંડમાં કોણ કોણ જવાબદાર છે ? તેની વિસ્તુત માહિતી આપવામાં આવી છે. ગત 25 મેના રોજ બનેલા ટીઆરપી ગેમઝોન આગકાંડના બનાવ બાદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રાજકોટ આવી તાત્કાલીક સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી. જેમાં સીઆઈડીના વડા સુભાષ ત્રિવેદીના અધ્યક્ષતામાં ટેકનીકલ એજ્યુકેશન કમિશ્નર અને રાજકોટના પૂર્વ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, એફએસએલના ડાયરેકટર એચ.પી.સંઘવી તેમજઅમદાવાદ મહાનગરપાલિકાના ફાયર ઓફિસર જે.એન.ખડીયા સાથે માર્ગ અને મકાન વિભાગનાં કવોલિટી કંટ્રોલ વિભાગનાં ઈજનેર એમ.બી.દેસાઈની તપાસ સમિતિએ ઘટનાના 25 દિવસ બાદ રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપ્યો છે. 100 પાનાના આ રિપોર્ટમાં આગ કાંડમાં જવાબદાર વિભાગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે આ ઘટનામાં મહાનગરપાલિકાના ટીપી વિભાગ, ફાયર વિભાગ, પોલીસના લાયસન્સ વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગની બેદરકારી હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં કોઈપણને છોડવામાં આવ્યા નથી. કોની કોની નિષ્કાળજી છે ? તે રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે અને હવે રાજ્ય સરકાર તેની સામે કાર્યવાહી કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સીટની ટીમે નિયત કરેલા સમયના એક દિવસ બાદ આ રિપોર્ટ સબમીટ કર્યો છે. ઉપરાંત સીટ દ્વારા 3 જુને કોર્ટમાં વચગાળાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે, આગ કાંડની ઘટનામાં 4 આઈએએસ અને એક આઈપીએસની ેઅને 24 જેટલા અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓની પુછપરછ કરવામાં આવી છે. ઘટના બાદ જે અધિકારીઓના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતાં તેમની પુછપરછ કરવામાં આવી હતી. ગત માર્ચ 2022માં જન્મદિવસની ઉજવણી પ્રસંગે આ અધિકારીઓ ગેમઝોનની મુલાકાતે ગયા હતાં કોઈ ઉદઘાટનમાં તેઓ ગયા નથી તે સ્પષ્ટ થયું છે. આ મામલે સુભાષ ત્રિવેદીએ સ્પષ્ટતા સાથે જણાવ્યું કે, ઘટના બાદ અમારી ટીમ વર્ષ 2013 થી લઈ 2023 સુધી ના નિતિનિયમો તેમજ હાઈકોર્ટના હુકમો અને સરકારના ઘડાયેલા કાયદાઓને લઈને તટસ્થ તપાસ અને કાર્યવાહી સાથે આઈપીએસ અને આઈએએસ સહિત 24 થી વધુ કર્મચારીઓ અને પદાધિકારીઓના નિવેદનો લઈ ઘટના અંગેનો રિપોર્ટ તૈયાર કર્યો છે. સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે, ઘટના ખુબ જ દુ:ખદ હતી અને આ બનાવમાં જે 27 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે તે મૃતકોને ન્યાય અપાવવા માટે કટીબધ્ધ છીએ. સુભાષ ત્રિવેદીના અધ્યક્ષતામાં રચાયેલી કમીટીએ 25 દિવસ સુધી તમામ પાસાઓ ચકાસી અને રાજ્ય સરકારને રિપોર્ટ આપ્યો છે ત્યારે આ મામલે રાજ્ય સરકાર પગલાં ભરશે. આગ કાંડની ઘટનામાં જે પેટ્રોલ ડીઝલનો જે મુદ્દો ચર્ચામાં આવ્યો હતો તે બાબતે તપાસ બાદ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે પેટ્રોલના જથ્થા રાખવા બાબતે ગેમઝોનને કલીનચીટ આપી છે અને 20 લીટરનો જથ્થો ત્યાં હાજર હતો જો 30 લીટરથી વધુ જથ્થો સંગ્રહ કરવો હોય તો મંજુરીની જરૂર હોય છે આ જથ્થો 20 લીટર હોવાથી ગેમઝોનમાં પેટ્રોલિયમ એકટ હેઠળ કાર્યવાહી કરાઈ નથી. ટીઆરપી ગેમઝોનમાંથી મળેલા જવલંનશીલ પ્રવાહીના નમુનાઓ તેમજ ત્યાં મળેલો પેટ્રોલ ડીઝલનો જથ્થો અને ત્યાંના કર્મચારીઓની પુછપરછ બાદ આ મામલે સીટે ટીઆરપી ગેમઝોનને ક્લીનચીટ આપી છે. જો કે અન્ય બાબતોની તપાસમાં ઘણી બધી બેદરકારી હોવાનું સામે આવ્યું હતું અને આ તમામ મુદ્દાઓ વિસ્તૃત પણે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથેની મીટીંગમાં ચર્ચા કરી રિપોર્ટ આપવામાં આવ્યો છે.

પદાધિકારીઓની હવે પુછપરછ થશે : ત્રિવેદી
ટીઆરપી ગેમઝોનની આગ કાંડની ઘટનામાં મહાનગર પાલિકાના પદાધિકારીઓની સંડોવણી બાબતની ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે આ મામલે સીટના વડાને પુછાયેલા પ્રશ્ર્નમાં તેમણે સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો કે આગ કાંડની ઘટનામાં જ્યારે આઈએએસ અને આઈપીએસની પુછપરછ કરી છે તો પદાધિકારીઓની પણ પુછપરછ કરવામાં આવશે અને હવે આ મામલે રાજ્ય સરકાર જે હુકમ કરશે તે મુજબ સીટ આગળની કાર્યવાહી કરી જરૂર પડે હજુ મહાનગરપાલિકાના જવાબદાર પદાધિકારીઓની પણ પુછપરછ કરી નિવેદન લેશે.

રિલેટેડ ન્યૂઝ