ભૂમાફિયાઓએ કોઠારીયાની સરકારી જમીનમાં પ્લોટ પાડી વેંચી માર્યા

પાંચ કારખાના ખડકાઇ ગયા, પ0થી વધુને દબાણ હટાવવા કલેકટરની નોટીસ

રાજકોટ શહેરની ભાગોળે આવેલ સરકારી કિંમતી જમીન પર ભૂમાફિયાઓએ નજર બગાડી છે. કરોડોની કિંમતની સરકારી જમીનના સ્થાનિક આગેવાનોની મીઠી નજર હેઠળ પ્લોટીંગ પાડી પરપ્રાંતિય મજુરોને પાણીના ભાવે વેંચી નાખતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. પરંતુ હજી સુધી આવા ભૂમાફિયાઓ સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાઈ નથી. જેના કારણે આવા ભૂમાફિયાઓ ફાટીને ધૂમાડે ગયા છે. વધુ એક આવા ભૂમાફિયાઓના કૌભાંડની વિગતો બહાર આવી છે. જેમાં કોઠારિયા સર્વે નં. 352માં કિંમતી સરકારી જમીનના પ્લોટ પાડી પરપ્રાંતિયોને વહેંચી નાખ્યાનું જબરુ કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડ તાલુકા મામલતદારના ધ્યાન ઉપર આવતા દબાણ કરતાઓને નોટીસ ફટકારવામાં આવી છે. ત્યારે ડિમોલેશન અટકાવવા પરપ્રાંતિયોનું મોટુ ટોળુ રજૂઆત કરવા જૂની કલેક્ટર કચેરીએ ધસી ગયું હતું. રાજકોટ શહેરની આજુબાજુના વિસ્તારોમાં જમીનના ભાવો આસમાને આંબી ગયા છે. જેમાં હવે ભૂમાફિયાઓએ સરકારી જમીન પર પોતાની નજર બગાડી છે. રાજકોટની ભાગોળેની વિસ્તારમાં સરકારી
જમીનોમાં મોટાપાયે દબાણ થયું છે. વર્ષોથી સરકારી જમીન પર થતાં દબાણોની કલેક્ટર તંત્રને જાણ હોવા છતાં અત્યાર સુધી આંખ આડા કાન કર્યા છે. જેના કારણે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. તાજેતરમાં જ કોઠારિયા સર્વે નં. 352ની કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન પર વર્ષોથી બની
ગયેલા કાચા-પાકા મકાનોનું દબાણ હટાવવા તાલુકા મામલતદારે નોટીસ ફટકારી હતી. જેના પગલે કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી દબાણ કરતાઓએ કલેક્ટર સમક્ષ આવેદનપત્ર પાઠવી હાલ પુરતું ડિમોલીશન અટકાવવા રજૂઆત કરી છે. બીજીબાજુ કોઠારિયા સર્વે નં. 352માં જ ભૂમાફિયાઓએ દબાણ
કરી સરકારી કિંમતી જમીનમાં પ્લોટ પાડી યુપી-બિહારથી મજુરી કામ અર્થે આવેલા શ્રમિકોને મફતના ભાવે વહેંચી નાખ્યાનું કલેક્ટર તંત્રની તપાસમાં બહાર આવ્યું છે. જેના પગલે આજે તાલુકા મામલતદાર મકવાણા, સર્કલ ઓફિસર કથિરિયા, નાયબ મામલતદાર કિરીટસિંહ, રઘુવીરસિંહ સહિતના સ્ટાફે આજે વધુ 50 જેટલા શ્રમિકોને સરકારી જમીન ખાલી કરવા નોટીસ ફટકારી છે. આજે 50 જેટલા શ્રમિકોને નોટીસ ફટકારવામાં આવી છે. અને 2 જૂલાઈ સુધીમાં સ્વેચ્છાએ સરકારી જમીન ખાલી નહીં કરે તો ડિમોલીશન હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ સરકારી જમીનમાં પાંચ તો કારખાના પણ ઉભા કરી દેવામાં આવ્યા છે. જેઓને પણ સરકારી જમીન ખાલી કરવા નોટીસ ફટકારવામાં આવી છે. ઉત્તર પ્રદેશ-બિહારના શ્રમિકોને
સરકારી જમીન ખાલી કરવા નોટીસ ફટકારતા આજે પરપ્રાંતિયનું મોટુ ટોળુ ડિમોલીશન અટકાવવા માટે જૂની કલેક્ટર કચેરી ખાતે ધસી ગયું હતું. અને તાલુકા મામલતદાર સહિતના અધિકારીઓને ડિમોલીશન અટકાવવા રજૂઆત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ